અમૃતપાલ સિંહ ફરાર, પંજાબ પોલીસે 78 સમર્થકોની ધરપકડ કરી, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત
ફાઇલ તસવીર
Amritpal Singh Fugitive: પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, શનિવારે બપોરે જલંધર જિલ્લાના શાહકોટ-માલ્સિયન રોડ પર પોલીસ દ્વારા 'વારિસ પંજાબ દે' (WPD) કાર્યકરોની કેટલીક પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી હતી અને સ્થળ પરથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘અમૃતપાલ સિંહ સહિત અન્ય ઘણા ફરાર છે, તેમને પકડવા માટે મોટાપાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે.’
અમૃતસરઃ પંજાબ પોલીસે શનિવારે 'વારિસ પંજાબ દે'ના કાર્યકરો વિરુદ્ધ રાજ્યવ્યાપી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કર્યું હતું. આ કાર્યકરો સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણાં લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. અમૃતપાલ સિંહ સહિત અન્ય ઘણા લોકો હજુ પણ ફરાર છે, તેમને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ સંદર્ભે વધુ ખુલાસો કરતા પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, ‘શનિવારે બપોરે જલંધર જિલ્લાના શાહકોટ-માલ્સિયાન રોડ પર 'વારિસ પંજાબ દે' (WPD)ના કામદારોની અનેક પ્રવૃત્તિઓને પોલીસે અટકાવી હતી અને સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહ સહિત અન્ય ઘણાં ફરાર છે, તેમને પકડવા માટે મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે.’
રાજ્ય કક્ષાના આ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 9 હથિયારો મળી આવ્યા છે. જેમાં એક 0.315 બોરની રાઈફલ, સાત 12 બોરની રાઈફલ, એક રિવોલ્વર અને વિવિધ કેલિબરના 373 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે.
WPD કામદારો પર આરોપો લગાવ્યાં
પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ‘WPD કામદારો ચાર ફોજદારી કેસોમાં સંડોવાયેલા છે. તેમાં સમાજમાં અશાંતિ ફેલાવવી, ઇરાદાથી હત્યા, પોલીસ કર્મચારીઓ પર હુમલો અને જાહેર સેવકોને તેમની ફરજો કાયદેસર રીતે નિભાવવામાં અવરોધ કરવો સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ WPDના કામદારો વિરુદ્ધ 24-02-2023ના રોજ કેસ નંબર 39 નોંધવામાં આવ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ‘ફોજદારી કેસોમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સાથે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ દ્વારા ઇચ્છિત તમામ વ્યક્તિઓએ પોતાને કાયદાને સમર્પણ કરવું જોઈએ. કાનૂની સંરક્ષણ સંબંધિત તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે, પંજાબના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં તમામ નાગરિકોને ખોટા સમાચાર અને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવી છે. રાજ્યમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને રાજ્યની શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે તોફાની પ્રવૃત્તિઓમાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર