અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા (Asaduddin Owaisi Attack) પર ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે રાજ્યસભા (Rajya Sabha)માં મંત્રાલય વતી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ન તો ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ હતો અને ન તો પ્રશાસનને તે માર્ગ પરથી તેમના પ્રસ્થાન વિશે જાણ કરવામાં આવી હતી. અંતમાં અમિત શાહે કહ્યું કે તેઓ ઓવૈસીને વિનંતી કરે છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા તેઓ લઇ લે.
ઓવૈસી પરના હુમલા પર બોલતા શાહે કહ્યું કે, 3 ફેબ્રુઆરી 2022ના રોજ સાંજે 5.30 વાગ્યે સાંસદ જનસંપર્ક કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ 2 અજાણ્યા શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના ત્રણ સાક્ષીઓએ જોઈ હતી. આ ઘટના અંગે પીલખુવામાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. તે વિશે ચર્ચા થઈ રહી છે.
શાહે જણાવ્યું હતું કે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી બે અનધિકૃત પિસ્તોલ અને એક અલ્ટો કાર મળી આવી હતી. ફોરેન્સિક ટીમ કાર અને ક્રાઈમ સીનની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને પુરાવા એકત્ર કરી રહી છે.
તેમના સંબોધનમાં શાહે વધુમાં કહ્યું હતું કે, તેમનો (ઓવૈસી) હાપુડમાં કોઈ કાર્યક્રમ નહોતો અને ન તો જિલ્લા કંટ્રોલ રૂમ પાસે આ માર્ગ પરથી જવાની કોઈ માહિતી હતી. ઓવૈસી સલામત રીતે દિલ્હી પહોંચી ગયા હતા. હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ઓવૈસીને સુરક્ષા આપવાનું કહેવામાં આવ્યું હતું. ખતરાનું મૂલ્યાંકન કરી તેમને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જેમાં બુલેટ પ્રુફ કાર અને સીઆરપીએફના જવાનો સામેલ છે. પરંતુ મૌખિક રીતે તેમણે આ સુરક્ષા લેવાથી ઇનકાર કર્યો છે.
શાહે કહ્યું કે ભૂતકાળમાં અનેક પ્રસંગોએ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના મૂલ્યાંકન પછી કેન્દ્ર સરકારે ઓવૈસીને સુરક્ષા આપવા માટે સૂચનાઓ જારી કરી છે. પરંતુ ઓવૈસીએ આ વાતને નકારી કાઢી છે. જેના કારણે દિલ્હી પોલીસ અને તેલંગાણા પોલીસના તેમને સુરક્ષા આપવાના પ્રયાસો સફળ થયા ન હતા.
જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી જ્યારે મેરઠથી જનસભા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે હાપુડ ટોલ પ્લાઝા પર તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 3-4 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ઓવૈસીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બાદમાં પીલખુવા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ઓવૈસીએ સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી
કાર પર ફાયરિંગની ઘટના બાદ કેન્દ્ર સરકારે અસદુદ્દીન ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાની વાત કરી હતી, પરંતુ ઓવૈસીએ સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી. જોકે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પત્રમાં તે પોતાના ખર્ચે બુલેટ પ્રુફ વાહનની માંગ કરશે. ઓવૈસી પાસે હથિયાર રાખવાનું લાયસન્સ છે અને તે લાયસન્સના આધારે ગ્લોક હથિયાર રાખવાની પણ પરવાનગી માંગશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર