બંગાળ હિંસા પર શાહે કહ્યુ- કાલે CRPF ન હોત તો બચવું મુશ્કેલ હતું

બીજેપી અધ્યક્ષ અમિત શાહ

મમતા બેનર્જીએ બે દિવસ પહેલા જ બદલો લેવાની ધમકી આપી હતી- અમિત શાહ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીના અંતિમ ચરણનું રણ બંગાળમાં હિંસક થઈ ગયું છે. મંગળવારે કોલકાતામાં થયેલા બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં ખૂબ જ ઘર્ષણ જોવા મળ્યું. તે દરમિયાન હિંસા થઈ અને આગચંપી પણ થઈ. તે મુદ્દે બીજેપી આક્રમક થઈ ગઈ છે. આજે દિલ્હીમાં અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી મમતા બેનર્જી પર હુમલો કર્યો.

  અમિત શાહે કહ્યું કે, બંગાળમાં જે ઘટનાઓ થઈ છે, તેની હકીકત જણાવવા આવ્યો છું. દેશમાં ક્યાંય પણ હિંસા નથી થઈ રહી પરંતુ માત્ર બંગાળમાં જ થઈ રહી છે. શાહે કહ્યું કે બીજેપી તો સમગ્ર દેશમાં ચૂંટણી લડી રહી છે, પરંતુ હિંસા માત્ર બંગાળમાં જ થઈ રહી છે. મમતા બેનર્જી પર વળતો હુમલો કરતાં અમિત શાહે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના લોકોએ જ વિદ્યાસાગરની મૂર્તિ તોડી છે, અમે તો બહાર હતા.

  બીજેપી અધ્યક્ષે કહ્યું કે, મમતા બેનર્જીએ બે દિવસ પહેલા બદલો લેવાની ધમકી આપી હતી, મમતા જો વિચારે છે કે હિંસાથી કિચડ ફેલાવીને જીતી શકે, તમે મારાથી ઉંમરમાં મોટા છો પરંતુ અનુભવ મને વધુ છે. હિંસાનો કિચડ જેટલો ફેલાવશો એટલું વધુ કમળ ખિલશે.

  આ પણ વાંચો, કોલકાતામાં અમિત શાહ પર હુમલો, અનેક વાહનોને આગચંપી, રોડ શો પર પથ્થરમારો

  શાહે વધુમાં કહ્યું કે, કાલે જો સીઆરપીએફની સુરક્ષા ન હોત તો જીવ બચાવીને બહાર આવવું મુશ્કેલ હતું. મમતા બેનર્જીએ જાહેરમાં ધમકી આપી છે પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં નથી લીધા. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જરૂર નથી, 23 તારીખે બધું સ્પષ્ટ થઈ જશે.

  અમિત શાહે મમતા બેનર્જી પર વળતો હુમલો કરતાં કહ્યું કે, મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને તોડી છે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, કાલે બીજેપીના રોડ શો પહેલા જ બીજેપીના પોસ્ટર-બેનર હટાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, વડાપ્રધાન અને મારા પોસ્ટર ફાડવામાં આવ્યા. રોડ શો દરમિયાન ત્રણ હુમલો થયા, આગચંપી, પથ્થરમારો અને હોટલમાં કેરોસીન નાખીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

  બીજેપી અધ્યક્ષે વધુમાં કહ્યું કે, હું ચૂંટણી પંચને કહેવા માંગું છું કે જ્યાં સુધી હિંસા થઈ રહી છે તેની પર પંચ મૂક પ્રેક્ષક બની ગયું છે. બંગાળમાં એક પણ હિસ્ટ્રીશીટરની ધરપકડ નથી થઈ.

  ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી, કેટલાક શખ્સો દ્વારા અમિત શાહ જે વાહનમાં બેસી રોડ શો કરી રહ્યાં હતા તેના પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: