જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે. સાથોસાથ હાલમાં અફઘાન શાંતિ મંત્રણાને લઈને પણ વાતચીત ચાલી રહી છે. આ બધાની વચ્ચે અમેરિકાની વિદેશ નીતિ મામલાઓના એક એક્સપર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન પ્રતિ કોઈ પણ પ્રકારની વ્યૂહાત્મક ઝુકાવ અને ભારતથી અંતર બાબતે ચેતવ્યા છે.
વિદેશ સંબંધોની પરિષદના અધ્યક્ષ રિચર્ડ એન હાસે ગત સપ્તાહે એક લેખ લખ્યો છે જેમાં તેઓએ કહ્યું છે કે, પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવી અમેરિકા માટે ભૂલ ભરેલું પગલું હશે.
હાસ લખે છે કે, પાકિસ્તાન કાબુલમાં એક મૈત્રીપૂર્ણ સરકાર જોઈ રહી છે જે તેની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને તેના કટ્ટર પ્રતિદ્વંદી ભારતને ટક્કર આપી શકે. હાસનો આ લેખ પહેલા પ્રોજેક્ટ સિન્ડિકેટમાં પ્રકાશિત થયો અને ત્યારબાદ તે સીઆરએફની વેબસાઇટ ઉપર પણ પ્રકાશિત થયો.
પાકિસ્તાન પર ભરોસો મૂકવો મુશ્કેલ
હાસે કહ્યું કે, તેની પર વિશ્વાસ મૂકવાનું કોઈ કારણ નથી કે સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી જે પાકિસ્તાનને હજુ પણ ચલાવી રહ્યું છે. તાલિબાન પર લગાવશે કે આતંકવાદને નિયંત્રિત કરશે.
તેઓએ લખ્યું કે, એવી જ રીતે ભારતથી અંતર રાખવું અમેરિકાની ભૂલ હશે. હા, ભારતમાં સંરક્ષણવાદી વેપાર નીતિઓની પરંપરા રહી છે અને અનેકવાર વ્યૂહાત્મક મુદ્દાઓ પર પૂરો સહયોગ કરવાની અનિચ્છા અમેરિકાની નીતિ નિર્માતાઓને નિરાશ કરે છે.
ભારતનો સાથ આપવાથી ફાયદો થશે
તેઓએ લખ્યું કે, પરંતુ લોકતાંત્રિક ભારત જે ટૂંક સમયમાં ચીનને પછાડીને દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે અને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે, તેની પર દાવ લગાવવો લાંબા ગાળાનો લાભ હશે.
તેમનું કહેવું છે કે, તેઓ ચીનનો સામનો કરવામાં મદદ રૂપે ભારત એક સ્વાભાવિક ભાગીદાર છે. ભારતે ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવમાં ભાગીદારીથી ઇનકાર કરી દીધો, જ્યારે આર્થિક સંકટથી ઘેરાયેલા પાકિસ્તાને તેને સ્વીકારી લીધી.