વોશિંગટન. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા કેસની પરિસ્થિતિ વચ્ચે રેસ્પિરેટરી સિન્શિયલ વાયરસ (RSV)નું જોખમ જોવા મળી રહ્યું છે. આ વાયરસ ખૂબ જ સંક્રામક છે. 2 અઠવાડિયાના બાળકથી લઈને 17 વર્ષ સુધીના બાળકો આ વાયરસનો શિકાર થઈ રહ્યા છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાંતો આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છે કે બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધશે તો શું થશે.
'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના રિપોર્ટમાં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા પરથી લખ્યું છે, કે જૂનમાં RSVના કેસમાં ધીમા દરે વધારો થયો છે. ગયા મહિને RSVના કેસમાં ખૂબ જ વધારો થયો છે. RSVનું સંક્રમણ થવા પર નાકમાંથી પાણી નીકળવું, ખાંસી આવવી, છીંક આવવી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે. હ્યૂસ્ટન સ્થિત ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ. હીદર હકે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, અનેક મહિનાઓ સુધી બાળકોના ખૂબ જ ઓછા કેસ સામે આવતા હતા. અત્યારે નવજાત, બાળકો અને કિશોરોમાં કોવિડનું સંક્રમણ જોવા મળી રહ્યું છે અને તેઓ હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે. દિવસેને દિવસે આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના આંકડા અનુસાર ગયા બે અઠવાડિયામાં અમેરિકામાં કોરોનાના સંક્રમણના કેસમાં 148 ટકાનો વધારો થયો છે. હોસ્પિટલમાં ભરતી થતા દર્દીઓની સંખ્યામાં 73 ટકા વધારો થયો છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે કોરોનાના સંક્રમણના કેસમાં સતત વધારો થતો હોવાનું મનાય છે. જયારે અનેક રાજ્યોમાં વેક્સીનેશનની ધીમી પ્રક્રિયાને કોરોનાના કેસમાં વધારો થતો હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.
ભારતમાં જેટલું જલ્દી બને તેટલું બાળકોને વેક્સીન આપવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કેન્દ્ર આગામી મહિનાથી બાળકોને કોવિડ-19ની વેક્સીન આપવાનું શરૂ કરી શકે છે. નિષ્ણાંતો અનુસાર કોરોનાના સંક્રમણની ચેનને રોકવા અને ફરીથી શાળાઓ શરૂ કરવાની દિશામાં એક મહત્વનો નિર્ણય સાબિત થશે. ભારત બાયોટેકની કો-વેક્સીન અને ઝાયડ્સ કેડિલાની વેક્સીન બાળકો માટે વેક્સીનની તપાસ કરી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર