Home /News /national-international /China Spy Balloon: જાસૂસી બલૂન પર ચીનનું વલણ, અમેરિકાની ચેતવણી પર કહ્યું - પરિણામ ભોગવવા તૈયાર રહે
China Spy Balloon: જાસૂસી બલૂન પર ચીનનું વલણ, અમેરિકાની ચેતવણી પર કહ્યું - પરિણામ ભોગવવા તૈયાર રહે
ફાઇલ તસવીર
China Spy Balloon: ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, જો અમેરિકા જાસૂસી બલૂનનો મુદ્દો આગળ વધારશે તો તેણે તમામ પ્રકારના પરિણામો ભોગવવા પડશે. અમેરિકા સતત આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન શનિવારે તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા.
વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું ત્યારથી બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાએ રવિવારે ચીની અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, તે તેની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે. હવે ચીને પણ અમેરિકાના આવા કડક વલણનો જવાબ આપ્યો છે. ઉલટાનું ડ્રેગને આ વખતે તો અમેરિકાને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘જો અમેરિકા જાસૂસી બલૂનનો મુદ્દો આગળ વધારશે તો તેને તમામ પ્રકારના પરિણામોનો સામનો કરવો પડશે.’
અમેરિકા સતત આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન શનિવારે તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. આ બેઠકમાં વાતચીતનો મુદ્દો જાસૂસી બલૂન જ રહ્યો હતો. બંને દેશોના વિદેશ મંત્રીઓએ શનિવારે મ્યુનિક સુરક્ષા પરિષદની બાજુમાં આ વાતચીત કરી હતી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતુ કે, ‘વિદેશ સચિવે યુએસ એરસ્પેસમાં ચીનના સર્વેલન્સ બલૂનને કારણે યુએસ સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાના અસ્વીકાર્ય ઉલ્લંઘન વિશે સીધી વાત કરી અને કહ્યું કે આ રીતે તે બેજવાબદાર કૃત્ય ફરીથી થવું જોઈએ નહીં.’
તેમણે કહ્યુ હતુ કે, ‘બેઠક દરમિયાન બ્લિંકને સ્પષ્ટ કર્યું કે યુએસ તેની સાર્વભૌમત્વના કોઈપણ ઉલ્લંઘનને સહન કરશે નહીં અને ચાઇનીઝ બલૂન પ્રોગ્રામ - જેણે પાંચ ખંડોના 40થી વધુ દેશોની એરસ્પેસ પર અતિક્રમણ કર્યું છે - વિશ્વ સામે સત્ય આવી ગયું છે.’
યુએસ અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ ત્યારે આવી જ્યારે અમેરિકાએ કહ્યું કે, ચીને અમેરિકન એરસ્પેસમાં એક જાસૂસી બલૂન છોડ્યો હતો, જેને રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ પર અમેરિકન લડાકુ વિમાનોએ નષ્ટ કરી નાંખ્યું હતું.
બ્લિંકને બલૂન પ્રકરણ પછી ચીનની સુનિશ્ચિત સફર રદ્દ કરી હતી. જો બ્લિંકન 5-6 ફેબ્રુઆરીએ ચીનની મુલાકાતે ગયા હોત તો છેલ્લાં પાંચ વર્ષમાં અમેરિકાના વિદેશ મંત્રીની ચીનની આ પ્રથમ મુલાકાત હોત. બંને દેશો આ મુલાકાતને કડવા સંબંધો સુધારવાની તક તરીકે જોઈ રહ્યા હતા.
બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીત પહેલા વાંગે શનિવારે કહ્યું હતું કે, ‘ચીની બલૂનને મારવાની (અમેરિકન) કૃત્ય એ બતાવતું નથી કે અમેરિકા મોટું અને મજબૂત છે, બલ્કે તે તદ્દન વિપરીત વાર્તા કહે છે!’ બ્લિંકને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. (ભાષા ઇનપુટ સહિત)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર