અંધાધૂંધ ફાયરિંગથી હચમચી ઉઠ્યું અમેરિકા, બે દિવસમાં ગોળીબારની બે ઘટનાઓ, 9નાં મોત
અમેરિકામાં બે દિવસમાં ફાયરિંગની બે મોટી ઘટનાઓ સામે આવી
અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. આ વખતે નોર્થ કેલિફોર્નિયામાં ગોળીબારની બે ઘટનાઓમાં 9 લોકો માર્યા ગયા અને એક ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. એક ગોળીબાર હૉફ મૂન બે શહેરમાં થયો હતો.
વોશિંગ્ટનઃ અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. આ વખતે નોર્થ કેલિફોર્નિયામાં ગોળીબારની બે ઘટનાઓમાં 9 લોકો માર્યા ગયા અને એક ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. એક ગોળીબાર હૉફ મૂન બે શહેરમાં થયો હતો, જ્યારે બીજો આયોવામાં થયો હતો. પોલીસે કહ્યું કે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ખાતરી આપી છે કે હવે શહેરને કોઈ ખતરો નથી.
યુએસ મીડિયા અહેવાલો અનુસાર, હાઇવે 1 નજીક સેન મેટો રોડ પર માઉન્ટેન મશરૂમ ફાર્મ અને કેબ્રિલો હાઇવે એસના કોનકોર્ડ ફાર્મમાં ગોળીબારીની માહિતી મળી હતી. અહેવાલો અનુસાર, શંકાસ્પદ મશરૂમ ફાર્મમાં કામ કરતો હતો અને તમામ પીડિતો તેના સહકાર્યકરો હતા. આ ઘટના હાઈવે 92 નજીક અને હાફ મૂન બે શહેરની સીમામાં નોંધાઈ હતી.
બીજી ઘટના અમેરિકાના આયોવાના એક યુવા આઉટરીચ સેન્ટરમાં બની હતી. આ ફાયરિંગમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા અને એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મીડિયા સાથે વાત કરતા સ્થાનિક પોલીસે જણાવ્યું કે સ્ટાર્ટસ રાઈટ હીયર સ્કૂલમાં ગોળીબારમાં ઘાયલ થયેલા બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંને વિદ્યાર્થીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગની લગભગ 20 મિનિટ બાદ એક કારમાંથી 3 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. ઘટના બાદ સાર્જેન્ટ પોલ પારિજેકે જણાવ્યું હતું કે હુમલાને યોજનાબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ છે. જોકે એની પાછળનો હેતું શું હતો એ બાબતે કંઈ જાણી શકાયું નથી. સ્કૂલની વેબસાઈટ મુજબ ત્યાં ભણતાં 80% બાળકો લઘુમતી સમુદાયનાં છે.
આ બાબતે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે ટ્વીટ કર્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ફાયરિંગ અંગે જાણ કરવામાં આવી છે અને તેમણે ફેડરલ કાયદા અમલીકરણને સ્થાનિક અધિકારીઓને જરૂરી સહાય પૂરી પાડવા જણાવ્યું છે. જેમ જેમ વધુ વિગતો ઉપલબ્ધ થશે તેમ રાષ્ટ્રપતિને અપડેટ કરવામાં આવશે.
કેલિફોર્નિયામાં રવિવારે ફાયરિંગ થયું હતું
કેલિફોર્નિયામાં બે દિવસમાં આ ત્રીજી ઘટના છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. આ પહેલા 22 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસના મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષની ઉજવણીમાં થયેલા ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર