જાસૂસી સામે અમેરિકા એક્શન મોડમાં, પેગાસસ બનાવનારી કંપનીને કરી blacklist
પેગાસસ જાસૂસી મામલે ભારતમાં પણ ઘણો વિવાદ થયો હતો.
અમેરિકાએ ઈઝરાયેલની કંપની કેન્ડિરુ અને NSO ગ્રુપ સિવાય બે અન્ય કંપનીઓને પણ બ્લેકલિસ્ટ કરી છે જેમાં સિંગાપોર સ્થિત કોમ્પ્યુટર સિક્યોરિટી ઈનિશિએટિવ કન્સલ્ટન્સી પીટીઈ (COSEINC) અને રશિયન ફર્મ પોઝિટિવ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
વોશિંગ્ટન. અમેરિકા (America)એ બુધવારે મોટો નિર્ણય લેતા પેગાસસ સ્પાયવેર (Pegasus Spyware) બનાવનારા ઈઝરાયેલ (Israel)ના NSO ગ્રુપને બ્લેકલિસ્ટ (Black List) કરી દીધું છે. ઇઝરાયેલનું NSO ગ્રુપ તાજેતરના દિવસોમાં જાસૂસી મામલાને લઈને ચર્ચાના કેન્દ્રમાં રહ્યું હતું. યુએસ સરકારનું કહેવું છે કે સરકારે તેનો ઉપયોગ જાસૂસી માટે કર્યો એટલે NSOને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. યુએસ વાણિજ્ય વિભાગે એક નિવેદન જારી કરીને જાણકારી આપી છે કે, પેગાસસ સ્પાયવેર કથિત રીતે પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ, વિશ્વભરના વિપક્ષી નેતાઓની જાસૂસી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. જેના કારણે બુધવારે NSO ગ્રુપ અને અન્ય એક ઈઝરાયેલી કંપની કેન્ડિરુ (Candiru) ને બ્લેકલિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
અમેરિકી વાણિજ્ય વિભાગનું કહેવું છે કે એનએસઓ ગ્રુપ અને અન્ય ઈઝરાયલી કંપની કેન્ડિરુએ વિદેશી સરકારો માટે સ્પાયવેર બનાવ્યા હતા. જે તેનો ઉપયોગ સરકારી અધિકારીઓ, પત્રકારો, ઉદ્યોગપતિઓ અને દૂતાવાસના કર્મચારીઓની જાસૂસી કરવા માટે કરતા હતા.
NSO ગ્રુપને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે આ અમેરિકી સરકારના માનવ અધિકારોને પોતાની વિદેશ નીતિના કેન્દ્રમાં રાખવાના પ્રયત્નોનો ભાગ છે. આના માધ્યમથી લોકો દ્વારા દુરુપયોગ થતા ડિજિટલ ઉપકરણોના ફેલાવાને રોકી શકાશે. તેનો હેતુ સાયબર ક્રાઈમનો સામનો કરવાનો અને ગેરકાયદેસર દેખરેખ ઘટાડવાનો પણ છે.
વાણિજ્ય વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આજની કાર્યવાહી અમેરિકી વિદેશ નીતિના કેન્દ્રમાં માનવાધિકારોને રાખવા માટે બાઇડન-હેરિસ વહીવટીતંત્રના પ્રયાસોનો એક ભાગ છે, જેમાં હેરાનગતિ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ ઉપકરણોના ફેલાવાને રોકવાનો સમાવેશ થાય છે.’ પેગાસસ પર શરૂઆતી ચિંતા બાદ સમસ્યા ત્યારે વધુ સામે આવી જ્યારે આ સ્પાયવેરે ઝીરો ક્લિક સાથે આઈફોન હેક કર્યા હતા.
હાલ તો અમેરિકાએ ઈઝરાયેલની કંપની કેન્ડિરુ અને એનએસઓ ગ્રુપ સિવાય બે અન્ય કંપનીઓને પણ બ્લેકલિસ્ટ કરી છે. જેમાં સિંગાપોર સ્થિત કોમ્પ્યુટર સિક્યોરિટી ઈનિશિએટિવ કન્સલ્ટન્સી પીટીઈ (COSEINC) અને રશિયન ફર્મ પોઝિટિવ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. બ્લેકલિસ્ટ થયા બાદ હવે અમેરિકામાં આ કંપનીઓ પાસેથી કંઈપણ ખરીદી શકાશે નહીં.
પેગાસસ જાસૂસી મામલે ભારતમાં પણ ઘણો વિવાદ થયો હતો. કેટલાક મીડિયા સંગઠનોએ મોટા ડેટા લીકની તપાસ કરી હતી. તેના રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે આ સોફ્ટવેર દ્વારા અહીં 300થી વધુ ફોન નંબરની જાસૂસી કરવામાં આવી હતી જેમાં મંત્રીઓ, વિપક્ષી નેતાઓ, પત્રકારો અને વૈજ્ઞાનિકો સહિત સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર