દાઉદ પર થશે હવે મજબૂત પ્રહાર, ભારતને મળ્યો USનો સાથ

 • Share this:
  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ પર ટુંક સમયમાં જ ઘોંચ બોલાવવામાં આવી શકે છે. દાઉદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અમેરિકા સહમત થયું છે. ગુરૂવારે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી 2+2 વાતચીત દરમિયાન અમેરિકાએ ડી-કંપની વિરૂદ્ધ કડક પગલા લેવાની તૈયારી દાખવી છે.

  બંને પક્ષો તરફથી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં ડી-કંપની અને તેના સહયોગીઓ જેવા આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા 2017માં શરૂ કરવામાં આવેલી દ્વિપક્ષીય વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

  ભારતીય એજંસીઓને અનેક વર્ષોથી મુંબઈ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઈંડની તલાશ છે. અમેરિકાનો સહયોગ મળવાથી દાઉદને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, દાઉદ અનેક વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલો છે અને ત્યાંથી જ પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે. અત્યાર સુધી દારૂદ વિરૂદ્ધ ગુપ્ત જાણકારીઓ મેળવવી પડકારજનક હતું કારણ કે, તેનાથી ડી-કંપનીમાં છુપાયેલા ગુપ્ત સૂત્રોનો જીવ ખતરામાં પડી શકે છે.

  જોકે, હવે દ્વિપક્ષીય પ્લેટફોર્મમાં આ પ્રકારની સહમતિ બનવાથી તમામ જાણકારીઓ અમેરિકાને પણ પુરી પાડવામાં આવશે. દાઉદ અને તેમના સહયોગીઓની ઘણી મોટી સંપત્તિ અમેરિકામાં છે. માટે ભારતની સૂચનાથી અમેરિકામાં અંડરવર્લ્ડ ડૉન વિરૂદ્ધ કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે.

  અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો તથા સંરક્ષણ મંત્રી જિમ મેટિસ અને તેમના ભારતીય સમકક્ષ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તથા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે થયેલી બેઠક બાદ બંને પક્ષોએ સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાને એ બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે, તેની ધરતીનો ઉપયોગ બીજા દેશો પર આતંકી હુમલા માટે ના થાય. તેવી જ રીતે પાકિસ્તાનને મુંબઈ, પઠાણકોટ સહિત બીજા અનેક આતંકવાદી હુમલાના દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી માતે પણ કહેવામાં આવ્યું છે.
  Published by:Mujahid Tunvar
  First published: