ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને રોકવામાં આવી, ભારે વરસાદની આગાહી

ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા થોડા સમય માટે રોકી દેવામાં આવી છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં બાબા બર્ફાનીની અમરનાથ યાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. પરંતુ અમરનાથ યાત્રા શરુ થઇને એક દિવસ બાદ જ ખરાબ હવામાન હોવાને કારણે રોકી દેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ પહલગામ બેસ કેમ્પથી રવાના થનાર જથ્થાને વેન કેમ્પમાં રોકી દેવામાં આવ્યો છે.

બુધવારે સાંજથી જ જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં હવામાન વિભાગે પણ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ યાત્રા અટકાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કોઈ પણ યાત્રીને પવિત્ર ગુફાની તરફ જવાની પરવાનગી નથી.

બુધવારે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુનો પહેલો જથ્થો જમ્મુથી સુરક્ષા વચ્ચે રવાના થઈ ગયો હતો. જમ્મુના ભગવતી નગર ખાતે બેસ કેમ્પથી બીવીઆર સુબ્રમણ્યમ (મુખ્ય સચિવ),બીવી વ્યાસ (રાજ્યપાલ સલાહકાર) અને વિજયકુમારે (રાજ્યપાલ સલાહકાર) જથ્થાને ઝંડી બતાવી રવાના કર્યો હતો. દેશભરમાં લગભગ લાખો શ્રધ્ધાળુઓએ અમરનાથ ગુફાની યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પહેલીવાર અમરનાથ યાત્રામાં NSG કમાન્ડો તહેનાત કરવામાં આવે છે. આ સિવાય સુરક્ષા માટે આર્મી, CRPF, સ્થાનિક પોલીસ સહિત 40 હજાર જવાનો તહેનાત છે. બેસ કેમ્પ્સ, મંદિરો, રેલવે સ્ટેશન્સ, બસ સ્ટેન્ડ્સ અને અન્ય ભીડ વાળી જગ્યાઓ આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આગામી 26મી ઓગસ્ટના રોજ અમરનાથ યાત્રાનું સમાપન થશે.
First published: