કર્ણાટક ચૂંટણીઃ 'આપ' ન ખોલી શકી ખાતું, તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

અરવિંદ કેજરીવાલ (ફાઈલ તસવીર)

 • Share this:
  કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકા લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં પોતાના 29 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરંતુ પરિણામ જાહેર થયા બાદ 'આપ'ના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. તેની સાથે જ દિલ્હી અને પંજાબ બહાર પગપેસારો કરવાનું 'આપ'નું સપનું પણ તૂટી ગયું છે.

  અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કર્ણાટક વિધાનસભામાં 29 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં સૌથી વધારે 18 ઉમેદવાર બેંગલુરુમાં ચૂંટણી લડ્યા હતા. સરવગનનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ કે જે જ્યોર્જ વિરુદ્ધ મેદાનમાં ઉતરેલા 'આપ'ના સંયોજક પૃથ્વી રેડ્ડીને ફક્ત 1,861 વોટ મળ્યા હતા અને તેઓ ચોથા નંબરે રહ્યા હતા.

  આ ચૂંટણીમાં યોગેન્દ્ર યાદવના વડપણ હેઠળની સ્વરાજ ઇન્ડિયા પણ 11 બેઠક પર મેદાનમાં ઉતરી હતી. સ્વરાજ ઇન્ડિયાના એક ઉમેદવાર પુત્તન્નૈયાહને મેલુકોટે બેઠક પરથી 73,779 મત મળ્યા હતા અને તેઓ બીજા સ્થાને રહ્યા હતા.

  કર્ણાટકમાં ખંડિત ચુકાદો

  કર્ણાટક રાજ્યમાં વિધાનસભાના ચૂંટણી પરિણામો આવ્યા બાદ અહીંની રાજકીય હાલત ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. 224 સભ્યોવાળી વિધાનસભામાં 104 બેઠક જીતીને બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે. જોકે, 78 બેઠક જીતનારી કોંગ્રેસે સરકાર બનાવવા માટે જેડી-એસને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે. જેડી-એસ 38 બેઠક સાથે ત્રીજી મોટી પાર્ટી બની છે.

  કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમને જેડી-એસ અને બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ રીતે તેમની પાસે કુલ 118 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ બીજેપીનો દાવો છે કે તે સૌથી મોટી પાર્ટી છે એટલે સરકાર બનાવવા માટે તેને મોકો મળવો જોઈએ. હવે તમામ લોકોની નજર કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળા પર છે.
  Published by:Vinod Zankhaliya
  First published: