નવી દિલ્હીઃ હવાલા મારફતે ભારતમાંથી નાણાની હેરફેરના કેસમાં ધરપકડ કરવામાં આવેલી જેટ એરવેઝની એર હોસ્ટેસે તેની જ કંપનીમાં કામ કરતા વધુ બે લોકો આ રેકેટમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો કર્યો છે. 25 વર્ષની દેવેશી કુલશ્રેષ્ઠાની સોમવારે નવી દિલ્હીથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી રૂ. 3.34 કરોડની ડોલર કરન્સી મળી આવી હતી. આ કરન્સી તેણે હોંગકોંગ પહોંચાડવાની હતી.
ડીઆરઆઈએ કરેલી તપાસમાં દેવેશીએ હવાલા નેટવર્કમાં સંડોવાયેલા જેટ એરવેઝના વધુ બે કર્મચારીઓના નામ આપ્યા છે. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દેવેશીને નાણાની હેરફેર માટે દરેક ટ્રીપ માટે એક લાખ રૂપિયા મળતા હતા. દેવેશીનો પતિ આ રકમ બેંકમાં જમા કરતો હતો. જોકે, દેવેશીને હવાલાના કમિશન પેટે આ રકમ મળતી હતી તેની તેના પતિને જાણ ન હતી.
ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવેશીએ તેના પતિને આ રકમના સોર્સ અંગે કોઈ માહિતી આપી ન હતી. દેવેશીએ એક વર્ષ પહેલા જ તેની સાથે કામ કરતા જેટના એક કર્મચારી સાથે લગ્ન કર્યા હતા. જોકે, હાલમાં તેનો પતિ એક પ્લેસમેન્ટ કંપનીમાં કામ કરી રહ્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છ મહિના પહેલા દેવેશીની મુલાકાત અમિત મલ્હોત્રા નામના વ્યક્તિ સાથે થઈ હતી. તેણે દેવેશીને હવાલાથી નાણા ટ્રાન્સફર કરવાની ઓફર કરી હતી.
સોમવારે ડીઆરઆઈને એક ટીપના આધારે દેવેશીના સામાનની તપાસ કરી હતી. દેવેશીના સામાનમાં કપડાં અને જૂતાની વચ્ચેથી 100 ડોલરના બંડલ મળી આવ્યા હતાં. આ કરન્સીને એલ્યુમિનિયમની ફોઈલમાં લપેટીને રાખવામાં આવ્યા હતા. એક્સ-રે મશિનમાં ન પકડાઈ એ માટે બંડલોને ફોઈલમાં વીંટીને રાખાવામાં આવ્યાં હતાં.
ઘટનાની તપાસ કરતા અધિકારીના જણાવ્યા પ્રમાણે અમિત મલ્હોત્રા દેવેશી સિવાય અન્ય ક્રુ મેમ્બર્સ સાથે પણ સંપર્કમાં હતો. એરલાઇન્સમાં આવા સંપર્ક ઉભા કરીને તે ભારતમાંથી વિદેશમાં નાણા મોકલતો હતો. આ નાણાનો ઉપયોગ સોનું ખરીદવા માટે કરવામાં આવતો હતો. દેવેશીના સામાનમાંથી ડીઆરઆઈને નોટોના 32 બંડલ મળી આવ્યા હતા, જ્યારે બીજા 16 બંડલ તેના હેન્ડ બેગેજમાંથી મળી આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર