પતિ-પત્ની કોઈ ગુનો કર્યાં વગર પાંચ વર્ષ જેલમાં રહ્યા, હવે બાળકો નથી મળી રહ્યા!
યુગલ.
Agra couple finding kids: વર્ષ 2015માં પોલીસે 40 વર્ષીય નરેન્દ્ર સિંઘ અને તેમની પત્ની નજમાની ધરપકડ કરી હતી. પાંચ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યા બાદ બંનેની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી હતી.
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા (Agra) જિલ્લાના બાહ શહેર (Bah City)ના એક દંપતીએ એક ગુના બદલ પાંચ વર્ષ સુધી જેલ (Jail)માં રહેવું પડ્યું હતું, જે ગુનો તેમણે ક્યારેય કર્યો જ ન હતો! આટલું ઓછું હોય તેમ હવે તેઓ જેલમાંથી બહાર તો નીકળ્યા છે પરંતુ તેમને તેમના બંને સંતાનો નથી મળી રહ્યા. બંને જેલ (Jail)માં ગયા ત્યારે તેમના પાંચ વર્ષના દીકરા અને ત્રણ વર્ષની દીકરીને એક અનાથ આશ્રમ (Orphanage house)માં મૂકવામાં આવ્યા હતા. હવે બંને જેલમાંથી બહાર આવી ગયા છે પરંતુ બાળકો ક્યાં છે તેની કોઈને ખબર નથી!
વર્ષ 2015માં પોલીસે 40 વર્ષીય નરેન્દ્ર સિંઘ અને તેમની પત્ની નજમાની ધરપકડ કરી હતી. પાંચ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યા બાદ બંનેની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી હતી. બંનેને જ્યારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે કોર્ટે પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે આ દુર્ભાગ્યની વાત છે કે બંને વ્યક્તિઓએ ગુનો કર્યાં વગર પાંચ વર્ષ જેલમાં રહેવું પડ્યું છે અને સાચા ગુનેગારો બહાર ફરી રહ્યા છે. આ કેસમાં કોર્ટે પોલીસને કેસની ફરીથી તપાસ કરવાનો આદેશ કર્યો છે.
નરેન્દ્ર સિંઘ પહેલા શિક્ષક તરીકે કામ કરતા હતા. જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, "અમારા બાળકોનો શું વાંક હતો? તેઓએ અનાથની જેમ રહેવું પડ્યું હતું. પોલીસે જ્યારે અમારી ધરપકડ કરી હતી ત્યારે મારો દીકરો જીત અને દીકરી અંજુ ખૂબ નાના હતા." નરેન્દ્ર સિંઘ અને નજમાએ તેમના બાળકોને શોધવા માટે હવે SSP બબલૂકુમારને પત્ર લખ્યો છે.
નરેન્દ્ર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ધરપકડ બાદ અમે બાળકોને મળ્યાં નથી. ઉલ્લેખનીય છે કે 2015માં ધરપકડ બાદ યુગલની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. જે બાદમાં બંને હાઇકોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાંથી પણ રાહત મળી ન હતી. બંનેના વકીલે જણાવ્યું હતું કે, પોલીસ કોર્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે બાળકની હત્યા બાદ હોહલ્લા થઈ ગયો હતો આથી તેમણે બંનેની ધરપકડ કરી લીધી હતી. એટલું જ નહીં, તથ્યોની ચકાસણી કર્યાં વગર ઉતાવળે જ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર