ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે રાજકીય સંબંધો પુનઃસ્થાપિત થયા છે. (પ્રતિનિધિ ફોટો)
ઈરાન અને સાઉદી અરબિયા હવે દુશ્મન નથી રહ્યા, બંને દેશોએ વર્ષોના તણાવ બાદ પોતાના સંબંધો સામાન્ય કર્યા છે. બંને દેશોના સુરક્ષા સલાહકારો વચ્ચેની બેઠક બાદ સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ મિત્રતા ચીને કરાવી છે.
દુબઈ : 7 વર્ષની દુશ્મનાવટ બાદ ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ફરી એકવાર સંબંધો પુનઃસ્થાપિત થયા છે. બંને દેશો પોતપોતાના દૂતાવાસ ફરી ખોલવા માટે સંમત થયા છે. ચીનની મધ્યસ્થીથી આ શક્ય બન્યુ છે. પ્રાપ્ત સમાચાર અનુસાર, આ અઠવાડિયે બેઇજિંગમાં બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે લાંબી ચર્ચા થઈ છે.
ચીન સાથેના કરાર પર બંને દેશોએ શુક્રવારે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જોકે, ચીનની સત્તાવાર મીડિયા એજન્સીએ આ કરારની માહિતી તાત્કાલિક જાહેર કરી નથી. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને દેશો યમનમાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઈરાનના સરકારી મીડિયાએ આ બેઠકની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી શમખાની, સાઉદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસાદ બિન મોહમ્મદ અલ અયબાન અને ચીનના સૌથી વરિષ્ઠ રાજદુત વાંગ યી જોવા મળ્યા છે. ઈરાનના સત્તાવાર ટીવી અનુસાર, આ સમજૂતી બાદ હવે બંને દેશોના વિદેશ મંત્રીઓ રાજદૂતોની આપ-લેની તૈયારી માટે બેઠક કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે, બંને દેશો વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. હવે સંયુક્ત નિવેદનમાં બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરવા અને દૂતાવાસોને 'બે મહિનાની મહત્તમ સમય મર્યાદામાં' ફરીથી ખોલવાનું કહેવામાં આવ્યું છે.
ચીને સમજૂતીનું સમર્થન કર્યું, કહ્યું, બંને દેશોએ સમજદારીભર્યું પગલું ભર્યું
ઈરાની મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ફૂટેજમાં ચીનના રાજદ્વારી વાંગને આ સમજદાર પગલા માટે બંને દેશોને હૃદયપૂર્વક અભિનંદન આપતા સાંભળી શકાય છે. વાંગે કહ્યું કે, બંને પક્ષોએ ઇમાનદારી દર્શાવી છે, અને ચીન આ સમજૂતીનું સંપૂર્ણ સમર્થન કરે છે. હકીકતમાં ચીને હાલમાં જ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને આમંત્રણ આપ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ રિયાધની મુલાકાત લીધી હતી, અને તેલ સમૃદ્ધ ગલ્ફ આરબ દેશો સાથેની બેઠકોમાં ભાગ લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર