28 વર્ષ પહેલા બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં 25 સપ્ટેમ્બર 1990ના રોજ ગુજરાતના સોમનાથથી એક રથયાત્રા નીકળી હતી. રથયાત્રાનો ઉદેશ્ય વિશ્વ હિન્દુ પરિષદના રામ મંદિર આંદોલનને સમર્થન કરવાનો હતો. આ યાત્રા આખા દેશમાં ફરીની અયોધ્યા પહોંચાની હતી. મંગળવારે ફરી એકવાર અયોધ્યાથી રામેશ્વરમ સુધીની રથયાત્રા નીકળવા જઈ રહી છે. આ રથયાત્રા છ રાજ્યમાં ફરીને 6000 કિલોમીટરનું અંતર કાપીને 25મી માર્ચના રોજ રામેશ્વરમ પહોંચશે. જોકે, આ રથયાત્રાના પ્રસ્થાન વખતે સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજર નહીં રહે.
ભગવાન રામની આ રથયાત્રા બપોરે લગભગ 3:00 વાગ્યે અયોધ્યાથી પ્રસ્થાન કરશે. આ રથ 28 ફૂટ લાંબો છે, તેમજ તેમાં 28 સ્તંભ લાગેલા છે. રથની અંદર ભગવાન રામ- સિતા અને હનુમાનની મૂર્તિ બિરાજમાન છે. રથની અંદર એક નાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે.
41 દિવસ ચાલનાર આ રામ રાજ્ય રથયાત્રા 6 રાજ્યમાં ફરીને આશરે 6000 કિલોમીટરનું અંતર કાપશે. રથયાત્રા અયોધ્યાથી રામેશ્વરમ પહોંચશે. આ યાત્રાને વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપત રાય લીલીઝંડી આપશે. અયોધ્યાના તમામ સંતો આ રથયાત્રાના પ્રસ્થાન સમયે હાજર હશે. આ રથયાત્રા અયોધ્યાના મુખ્ય રસ્તાઓ પર થઈને ભરત કુંડ નંદીગ્રામ પહોંચશે, અહીં પ્રથમ વિશ્રામ હશે.
આ યાત્રાની પાંચ મુખ્ય માંગણી છે, જેમાં રામ મંદિરનું નિર્માણ, રામ રાજ્યની સ્થાપના અને સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં રામયણને સામેલ કરવાની મુખ્ય માગણી છે.
1990માં બીજેપીના નેતા અડવાણીએ સોમનાથથી રથયાત્રા કાઢી હતી
આ રથયાત્રા કાઢવા પાછળ રાજકારણ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 2019ની ચૂંટણીની તૈયારીમાં લાગેલી બીજેપી સરકાર ફરી એક વખત ભગવાન રામના શરણે છે. આ રથયાત્રા જ્યાંથી પસાર થશે ત્યાં ઠેર ઠેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાઓ દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, રામ રાજ્યની સ્થાપના તેમજ સ્કૂલમાં રામયણને સામેલ કરવાની માંગણી કરવામાં આવશે.