Home /News /national-international /મુંબઈઃ દેહવેપારના ખપ્પરમાં ખૂપીને બહાર આવેલી સ્ત્રીની વેદના ભલભલાની આંખમાં આંસુ લાવી દેશે
મુંબઈઃ દેહવેપારના ખપ્પરમાં ખૂપીને બહાર આવેલી સ્ત્રીની વેદના ભલભલાની આંખમાં આંસુ લાવી દેશે
મુસ્કાને દેહવેપારના નર્કમાંથી બહાર આવીને બદલી નાખ્યું પોતાનું જીવન
International Women's Day, 8 March 2023: કહેવાય છે કે સ્ત્રીમાં એવી તાકાત હોય છે કે તે ધારે તે કરી શકે છે. આવી જ એક સ્ત્રી 'મુસ્કાન' છે કે જે 15 વર્ષ પહેલા એક એવી જગ્યાએ પહોંચી ગઈ કે તેને પોતાના કામ વિશે જાણીને પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગ્યો હતો. જોકે, તેની પાસે બે રસ્તા હતા અહીં રહેવું કે મરી જવું, પરંતુ તેમણે જીવન પસંદ કર્યું અને 10 વર્ષ સુધી નર્કમાં રહ્યા પછી એક નવી શરુઆત કરી બતાવી છે.
ધનંજય દલ્વી, મુંબઈઃ હજારો સેક્સ વર્કર્સ દર વર્ષે કમાઠીપુરામાં આવેલા રેડલાઈટ એરિયામાં આવે છે. જેમાં સ્ત્રી, નાની ઉંમરની યુવતીઓ, કૉલેજ ગર્લ્સનો સમાવેશ થાય છે. આમાંથી ઘણી સ્ત્રીઓને ખોટી રીતે અહીં લાવી દેવામાં આવે છે અને તેમને આ ખોટા ધંધામાં ખૂંપી દેવામાં આવે છે. ઘણી સ્ત્રીઓને ખોટા વાયદા કરીને તેમના શરીરનો વેપાર કરી દેવામાં આવે છે. અહીં આવેલી સ્ત્રીઓ પર ભયંકર અત્યાચાર ગુજારવામાં આવે છે, તેઓની મરજી વિરુદ્ધ જઈને સતત ત્રાસ આપવામાં આવે છે, તેમની સમસ્યાઓનો અંત જ આવતો નથી. ઘણી મહિલાઓ સમાજીક સંસ્થાઓની મદદથી આ કાળા વ્યવસાયમાંથી બહાર આવી છે અને તેમને જીવનની એક નવી શરુઆત કરી છે.
8 માર્ચે મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ આ દિવસે જે મહિલાએ કપરી વ્યથા વેઠી છે તેમને ખ્યાલ છે કે મહિલાનો અવતાર મળ્યા પછી તેમણે કેટકેટલી યાતનાઓ વેઠવી પડી છે. મહિલા દિવસ પર મુંબઈમાં દેહવેપારના કાળા ધંધામાં સપડાયેલી સ્ત્રીઓએ વેદનાઓ વેઠ્યા પછી પણ જાણે જંગ જીત્યા હોય તે રીતે પોતાના જીવનની નવી શરુઆત કરી છે. અહીં અમે એક એવી સ્ત્રીઓ છે કે જે આ ધંધામાંથી બહાર આવી છે અને તેઓ સિવણ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
15 વર્ષની ઉંમરે તેમને મુંબઈ લવાયા હતા અને પછી..
આ મહિલા કે જેણે પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે તેમનુ નામ મુસ્કાન (નામ બદલ્યું છે) છે. મુસ્કાનને નોકરીની ખોટી લાલચ આપીને મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ સમયે તેમની ઉંમર માત્ર 15 વર્ષની હતી અને તેમને કામથપુરામાં દેહવેપારનો ધંધો કરનારાને વેચી દેવામાં આવ્યા હતા. એ દિવસો યાદ કરીને આજે પણ તેમને કંપારી છૂટી જાય છે.
મુસ્કાન જણાવે છે કે, "હું માત્ર 15 વર્ષની હતી ત્યારે મને કોલકાતાથી મુંબઈ લાવવામાં આવી હતી. મને એ પણ નહોતી ખબર કે હું ક્યાં આવી ગઈ છું અને મારે શું કામ કરવાનું છે? મને આ વાત ગળે જ નહોતી ઉતરતી. અહીંના કામ વિશે જાણીને મને ભારે આઘાત લાગ્યો હતો. મને દેહવેપારના ઊંડા કૂવામાં ધક્કો મારી દેવામાં આવ્યો હતો."
તેઓ આગળ જણાવે છે કે, "શરુઆતના દિવસોમાં મને ભારે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. બળજબરી પૂર્વક મારા શરીરના સોદા કરી નાખવામાં આવતા હતા. મને અહીંથી ભાગી જવાના કે આપઘાત કરવાના બે જ રસ્તા દેખાઈ રહ્યા હતા. પરંતુ મારે જીવવું હતું એટલે મારા ભાગે જે આવ્યું તે મેં સ્વીકારી લીધું હતું. મારે જીવવું હતું માટે આ નર્કને સ્વીકારવું પડ્યું હતું."
10 વર્ષ પછી મારો સમય બદલાયો
મુસ્કારન પોતાના દુઃખમય દિવસોને યાદ કરતા કહે છે કે, "મેં 10 વર્ષ સુધી મારા શરીર પર ગુજારવામાં આવતા અત્યાચારોને સહન કર્યા. હું મુંબઈમાં કેદ થઈ ગઈ હતી અને અહીંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હતું. હું ભણેલી નહોતી, મને અક્ષર જ્ઞાન પણ નહોતું. મારા પરિવારની આર્થિક સ્થિતિ પણ ઘણી જ ખરાબ હતી. હું મોટી થઈ જવું ત્યાં સુધી મારે આ નર્કમાં જ રહેવાનું હતું. જોકે, હું વયસ્ક થઈ જવું તે પછી મારે કોઈ પણ ભોગે આ નર્કમાંથી બહાર નીકળવું હતું."
આગળ મુસ્કાન જણાવે છે કે, "જ્યારે હું ત્યાં શારીરિક અને માનસિક પીડાઓથી ઘેરાયેલી હતી ત્યારે મેં સ્ત્રીના સમૂહની તાકાત વિશે સમજી શકી હતી. આ દરમિયાન મારો સંપર્ક પુના અવસ્થી અને મંજૂ વ્યાસ સાથે થયો હતો કે જેઓ સંસ્થા ચલાવી રહ્યા હતા. મને સિવણકામ વિશે સમજ પડી. આ પછી હું સિવણકામ શીખી અને મારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું."
મુસ્કાનને શરુઆતમાં સિવણ મશીનથી બહુ ડર લાગતો હતો, પરંતુ સમય જતા અને ટ્રેનિંગ મળતા તેઓનું જીવન બદલાઈ ગયું. તેમને જીવનમાં નવી શીખ મળી હતી. આજે તેઓ કપડા સીવવાનું શીખી ગયા છે, મુસ્કાન બાળકોના કપડા, થેલી અને અન્ય કપડા સીવવાનું કામ કરે છે અને પછી તેનું વેચાણ કરીને આવક રળે છે. આ સિવાય તેઓ દેહવેપારના નર્કમાંથી બહાર નીકળવા માગતી મહિલાઓની મદદ પણ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર