નવી દિલ્હી : ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પછી જસ્ટિસ એ.કે. સીકરી પણ નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના ચીફ બનાવવાના કેસની અરજીમાંથી ખસી ગયા છે. આ કેસ હવે શુક્રવારે નવી બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
પોતાને આ કેસથી અલગ કરવા અંગે જસ્ટિસ સીકરીએ પરિસ્થિતિ અને વ્યક્તિગત કારણનો હવાલો આપ્યો હતો. નોંધનીય છે કે સિલેક્શન કમિટીની ગત બેઠકમાં સીજેઆઈએ સીકરીને પોતાના પ્રતિનિધિ બનાવીને મોકલ્યા હતા. આ કમિટીએ અલોક વર્માને સીબીઆઈને ડિરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.
આ કમિટીની બેઠકમાં જસ્ટિસ સીકરીનો વોટ ખૂબ જ નિર્ણાયક સાબિત થયો હતો. તેમણે અલોક વર્માને હટાવવા માટે પીએમ મોદીના પક્ષમાં વોટિંગ કર્યું હતું. જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટર તરીકે ચાલુ રાખવા માટે તેના સમર્થનમાં વોટિંગ કર્યું હતું.
જસ્ટિસ ગોગોઇએ સોમવારે પોતાને આ કેસથી અલગ કરતા જણાવ્યું હતું કે તેઓ સીબીઆઈ ડિરેક્ટરની પસંદગી કરવા માટે બનેલી હાઇ પાવર કમિટીના સભ્ય છે, આથી તેઓ આ કેસની સુનાવણી કરે તે યોગ્ય નથી. જે બાદમાં આ કેસને જસ્ટિસ સીકરીની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા વાળી ઉચ્ચાધિકાર પ્રાપ્ત કમિટીએ અલોક વર્માને ભ્રષ્ટાચાર અને કર્તવ્યો પ્રત્યે ઉપેક્ષા રાખવાના આરોપસર ડિરેક્ટર પદથી હટાવી દીધા હતા. જે બાદમાં સીબીઆઈના નવા ડિરેક્ટરની નિમણૂક ન કરવામાં આવે ત્યાં સુધી કાર્યકારી ડિરેક્ટર તરીકે નાગેશ્વર રાવને 10મી જાન્યુઆરીએ ચાર્જ સોંપાયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર