કાબૂલ એરપોર્ટ પર ભૂખથી ટળવળી રહ્યા છે લોકો, ₹3000માં મળે છે પાણીની બોટલ, ₹7500માં મળે છે એક પ્લેટ ભાત
કાબૂલ એરપોર્ટ પર ભૂખથી ટળવળી રહ્યા છે લોકો, ₹3000માં મળે છે પાણીની બોટલ, ₹7500માં મળે છે એક પ્લેટ ભાત
કાબુુલ એરપોર્ટની તસવીર
Taliban News: કાબુલ એરપોર્ટ પર લગભગ 2.5 લાખ લોકોની ભીડ છે, જેઓ અફઘાનિસ્તાન છોડીને જવા માંગે છે. ત્યારે ભૂખ્યા-તરસ્યા લોકો એરપોર્ટ પર શ્વાસ તોડી રહ્યા છે.
Taliban News: તાલિબાનોએ અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટાભાગના લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાન માટે એક જ રસ્તો બચ્યો છે - કાબુલ એરપોર્ટ (Kabul Airport) . અહીંની સુરક્ષા અમેરિકન સૈનિકો (American soldiers) કરે છે. કાબુલ એરપોર્ટ પર લગભગ 2.5 લાખ લોકોની ભીડ છે, જેઓ અફઘાનિસ્તાન છોડીને જવા માંગે છે. ત્યારે ભૂખ્યા-તરસ્યા લોકો એરપોર્ટ પર શ્વાસ (Afghanistan Crisis) તોડી રહ્યા છે.
કાબૂલ એરપોર્ટ પર ખોરાક અને પાણીના ભાવ આસમાનને પહોંચી ગયા છે. અહીં પાણીની બોટલ 40 ડોલર એટલે કે 3000 રૂપિયામાં મળી રહી છે. જ્યારે એક પ્લેટ ભાત માટે 100 ડોલર એટલે કે 7500 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. જોકે, આશ્ચર્યની વાત છે કે એરપોર્ટ પર પાણી કે ખોરાક ખરીદવા માટે અફઘાની ચલણ નથી સ્વીકારાઈ રહ્યું. અહીં માત્ર ડોલરમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.
ઘરથી એરપોર્ટ પહોંચવામાં લાગે છે 5થી 6 દિવસ
અફઘાનિસ્તાનના લોકોનું કહેવું છે કે, કાબુલમાં ઘરેથી એરપોર્ટ સુધી પહોંચવામાં 5થી 6 દિવસ લાગી રહ્યા છે, કારણ કે, શહેરથી એરપોર્ટ સુધી તાલિબાનીઓ ફેલાયેલા છે. તાલિબાનીઓના ગોળીબારથી લોકોમાં ગભરાટ છે અને હજારો લોકોની ભીડ પાર કરીને એરપોર્ટમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે. જો તમે એરપોર્ટની અંદર જાવ તો પણ પ્લેન મેળવવામાં 5થી 6 દિવસ લાગે છે. માત્ર બિસ્કિટ અને નમકીન પર ટકી રહેવું પડે છે. ખાવા-પીવાના વધારે ખર્ચને કારણે સમસ્યાઓમાં વધારો થયો છે. અફઘાનિસ્તાનની હાલત એવી છે કે, ઘણા બાળકો તેમના માતા-પિતા વગર અફઘાનિસ્તાન છોડી રહ્યા છે.
ખોરાક અને પાણીના ભાવમાં વધારો થવાથી લોકોને ભૂખ્યા પેટે તડકામાં ઉભા રહેવાની ફરજ પડી છે. તેમની હિંમત હવે તૂટી રહી છે. લોકોના શરીર નબળા પડી રહ્યા છે અને તેઓ બેભાન થઈને પડી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને મદદ કરવાને બદલે તાલિબાન તેમને ડરાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટની બહાર અંધાધૂંધીમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે.
મહત્વનું છે કે, અત્યાર સુધી કાબુલમાંથી 82,300 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કાબુલમાં લગભગ 6 હજાર અમેરિકનો મળી આવ્યા છે. જેમાંથી 4500 લોકોને સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યા છે. તાજેતરમાં જ તાલિબાને કહ્યું હતું કે, જો અમેરિકા 31 ઓગસ્ટ સુધીમાં પોતાનું અભિયાન સમાપ્ત નહીં કરે તો તેનું પરિણામ ખરાબ હોઈ શકે છે.
તાલિબાનીઓએ બ્લોક કરી દીધા એરપોર્ટ જતા રસ્તા
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેમણે એરપોર્ટ તરફ જતા બધા રસ્તા બંધ કરી દીધા છે. અફઘાનીઓ હવે એરપોર્ટ પર નહીં જઈ શકે. માત્ર વિદેશી નાગરિકોને જ તે રસ્તા પરથી એરપોર્ટ સુધી જવાની મંજૂરી આપવામાં આવશે. મુજાહિદે કહ્યું કે ભૂતકાળમાં કાબુલ એરપોર્ટ પર ભેગા થયેલા તમામ અફઘાન નાગરિકોએ તેમના ઘરે પાછા ફરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આવા લોકોને તાલિબાન દ્વારા સજા આપવામાં નહીં આવે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર