વોશિંગટન/કાબુલ. તાલિબાનના (Taliban) કબજાવાળા અફઘાનિસ્તાનથી (Afghanistan) અમેરિકા (America) 20 વર્ષ બાદ સંપૂર્ણપણે પરત જઈ ચૂક્યું છે. નિયત સમય મર્યાદા પહેલા અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિક C-17 પ્લેનથી પોતાના વતન પરત ફર્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને (Joe Biden) જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકાની 20 વર્ષથી ચાલી રહેલી સૈન્ય હાજરી ખતમ થઈ ગઈ છે. રાષ્ટ્રપ્રમુખ બાઇડને આ ઘોષણા અમેરિકાના તમામ સૈનિકો પરત નીકળવાના થોડાક કલાકો બાદ કરી. તેમણે જણાવ્યું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી ખતમ થઈ ગઈ છે. બાઇડને અફઘાનિસ્તાનથી નીકળવા માટે સશસ્ત્ર દળોને શુભેચ્છા આપી. બાઇડને કહ્યું કે, તેઓ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કરશે.
બીજી તરફ, કાબુલમાં (Kabul) અમેરિકન જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ સંપૂર્ણ વાપસીની ઘોષણા કરી. તેમણે પેન્ટાગોનને એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં યુએસના મુખ્ય રાજદ્વારી રોસ વિલ્સન છેલ્લી ફ્લાઇટ પર હતા. તાલિબાને સત્તા સંભાળ્યા બાદ વોશિંગ્ટન અને તેના નાટો સાથીઓને ઉતાવળે બહાર નીકળવાની ફરજ પડી હતી. તેઓએ હજારો અફઘાનોને પાછળ છોડી દીધા છે જેમણે પશ્ચિમી દેશોને મદદ કરી હતી અને હવે કદાચ તેમને પણ બહાર નીકળવાની જરૂર પડી શકે છે. મેકેન્ઝીએ કહ્યું કે ઘણા અમેરિકનો અંતિમ ફ્લાઇટમાં બેસી નથી શક્યા કારણ કે તેઓ સમયસર એરપોર્ટ પર નહોતા પહોંચ્યા.
નોંધનીય છે કે, તાલિબાને નિયંત્રણ મેળવ્યાના એક દિવસ પહેલા 14 ઓગસ્ટથી અત્યા સુધી 1,22,000થી વધુ લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી સ્થગિત કરી દીધી છે અને કતારથી રાજદ્વારી કાર્ય હાથ ધરશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને સોમવારે કહ્યું હતું કે, કાબુલમાં અમેરિકી દૂતાવાસ ખાલી રહેશે. અફઘાનિસ્તાનમાં તૈનાત રાજદ્વારીઓ કતારથી કામ કરશે.
બ્લિંકને વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાન સાથે અમેરિકાના જોડાણનો નવો અધ્યાય શરૂ થયો છે. તેમાં અમે અમારી કૂટનીતિની સાથે આગળ વધીશું. તેમણે કહ્યું કે 100થી વધુ અમેરિકન હજુ પણ અફઘાનિસ્તાનમાં છે જે અહીંથી બહાર નીકળવા માંગતા હતા. અમે તેમની ચોક્કસ સંખ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 6,000 થી વધુ અમેરિકન નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર