કાબુલ : અફઘાનિસ્તાન દસકાઓથી તાલિબાની સંગઠનથી પીડાય છે. અવારનવાર થતા આતંકી હુમલા અને બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોએ પણ ઉચાળા ભરી જવાની તૈયારી કરતા આતંકી સંગઠન તાલિબાન વધુ ક્રૂર બને તેવી દહેશત છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની આજુબાજુના વિસ્તારોમાં તાલિબાને કબજો કરી લીધો છે. છેલ્લા બે મહિનામાં અનેક લોકોની હત્યાઓ થઇ છે. આ દરમિયાન હવે તાલિબાન સામે લડવા માટે અફઘાનિસ્તાનના લોકોએ જ હથિયાર ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં બાળકો પણ સામેલ થયા છે.
ન્યૂઝ એજન્સી એએફપી દ્વારા અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. કાબુલની ઉત્તર દિશામાં આવેલા પરવાન પ્રાંતમાં રહેતા 55 વર્ષના મોહમ્મદ સલાંગીએ જણાવ્યું હતું કે, જો તાલિબાન અમારા પર હુમલો કરશે તો કોઈ ચૂપ બેસશે નહીં. તેઓ યુદ્ધ કરશે કે, મહિલાઓને પરેશાન કરશે કે સંપત્તિ પર કબજો કરશે તો અમે ચૂપ બેસીશું નહીં. અમારું 7 વર્ષનું બાળક પણ શસ્ત્ર ઉપાડશે અને તેમની સામે ઉભું રહેશે.
સલાંગી એવા લોકો પૈકીના છે જેમણે તાલિબાન સામે હથિયાર ઉપાડવાનો નિર્ણય લીધો છે. આ લડાકુઓ અફઘાનિસ્તાનની સેનાની મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને બે દસકા બાદ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને નાટો દેશોએ એપ્રિલમાં આ બાબતે જાહેરાત કરીને કહ્યું હતું કે, તેઓ સૈનિકોને 2021ના સપ્ટેમ્બર મહિના સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે. આ ઘરવાપસી 11 સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જશે. આ દિવસે જ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો હતો. આ ઘટનાને 20 વર્ષ પુરા થશે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહેલા આતંકી સંગઠનો પર હુમલો કર્યો હતો. તાલિબાન સામે ચાલતા લાંબા સંઘર્ષનો અંત હજી સુધી કોઈ દેખાતો નથી. અફઘાનિસ્તાનમાં સ્થિત યુએનના રાજદ્વારીએ ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે તાલિબાનોએ દેશના 370 જિલ્લામાંથી 50 જિલ્લા કબજે કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર