અફઘાનિસ્તાનમાં ભૂખમરોનું સંકટ વધ્યું, ભારત મોકલશે 50 હજાર ટન ઘઉં
Afghanistan starvation crisis grows: તાલિબાન શાસનના આગમન પછી અફઘાનિસ્તાનમાં ભારત તરફથી આ પ્રથમ સહાય હશે. અગાઉ, ઈરાન, UAE અને પાકિસ્તાન જેવા દેશો અફઘાનિસ્તાનમાં લોજિસ્ટિક્સ અને તબીબી પુરવઠો મોકલી ચૂક્યા છે.
નવી દિલ્હી: તાલિબાનના શાસનમાં (Taliban Rule) અફઘાનિસ્તાનમાં ભૂખમરાની (Afghanistan starvation crisis) વધતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારત હવે અફઘાનિસ્તાનમાં 50 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલી શકશે. વાસ્તવમાં પાકિસ્તાને ભારતને અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલવાની મંજૂરી આપી છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે, ભારત માટે હવે જમીન મારફતે ઘઉં મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લગભગ એક મહિના પછી પાકિસ્તાને તેને મંજૂરી આપી દીધી છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે, હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને ભારત વાઘા બોર્ડર દ્વારા ઘઉં પાકિસ્તાન મારફતે અફઘાનિસ્તાનમાં મોકલશે.
તાલિબાન શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ભારત તરફથી આ પ્રથમ સહાય હશે. અગાઉ, ઈરાન, UAE અને પાકિસ્તાન જેવા દેશો અફઘાનિસ્તાનમાં લોજિસ્ટિક્સ અને તબીબી પુરવઠો મોકલી ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં લગભગ 4 કરોડ લોકો ભયંકર ખોરાકની કટોકટીનો સામનો કરી શકે છે, જ્યારે લગભગ 9 મિલિયન પહેલાથી જ ભૂખમરાની આરે છે.
મદદ કરવા માટે પાકિસ્તાને આપી મંજૂરી
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન તેના અફઘાન ભાઈઓની ભારત દ્વારા ઘઉં મોકલવાની અપીલ સાંભળશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને પાકિસ્તાને ઘઉં મોકલવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આ વર્ષના અંત સુધીમાં લાખો બાળકો ભૂખથી મરી શકે છે. તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ પર WHOના નિવેદને ફરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સંગઠને કહ્યું છે કે શિયાળાની ઋતુમાં અફઘાનિસ્તાનમાં તાપમાન ઓછું રહેશે અને ભૂખથી રડતા બાળકો પોતાનો જીવ ગુમાવી શકે છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર WHOએ કહ્યું કે, વર્ષના અંત સુધીમાં લગભગ 32 લાખ અફઘાન બાળકો તીવ્ર કુપોષણનો શિકાર બનશે. તેમાંથી લગભગ 10 લાખ બાળકો ખરાબ રીતે મૃત્યુના જોખમનો સામનો કરી રહ્યા છે. સંગઠનના પ્રવક્તા માર્ગારેટ હેરિસે કહ્યું કે, દેશમાં ફેલાઈ રહેલા સંકટ વચ્ચે આ એક મોટી લડાઈ હશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર