સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ એબીજી શિપયાર્ડ (ABG Shipyard) અને તેના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરિયાદ નોંધી છે. CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી (Bank Fraud)ના આરોપમાં FIR નોંધવામાં આવી છે. જો આટલી મોટી રકમની ગેરરીતિ જોવા મળે તો તે દેશની અત્યાર સુધીની સૌથી મોટી બેંકિંગ છેતરપિંડી બની જશે. આ પહેલા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારે તેને ભારતના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટી બેંકિંગ છેતરપિંડી કહેવામાં આવી હતી.
જણાવી દઇએ કે, આ કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. FIRમાં જણાવ્યા અનુસાર કૌભાંડનો સમય એપ્રિલ 2012થી જૂલાઈ 2017 સુધી બતાવામાં આવ્યો છે. આ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલ સૌથી મોટી બેંક કૌભાંડનો કિસ્સો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ કહ્યું કે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં વિલંબના આરોપ પર NCLTની પ્રક્રિયા અનુસાર ABG શિપયાર્ડનું એકાઉન્ટ લિક્વિડેશન હેઠળ છે. બેંકે સૌથી પહેલા 8 નવેમ્બર 2019ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જેના પર સીબીઆઈએ 12 માર્ચ 2020ના રોજ અમુક સ્પષ્ટીકરણ માગ્યા હતા. બેંકે તે વર્ષે ઓગસ્ટમાં એક નવી ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષથી વધારે સમય સુધી તપાસ કર્યા બાદ સીબીઆઈએ 7 ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદ પર કાર્યવાહી કરી હતી.
એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને બે ડઝન બેંકોના કન્સોર્ટિયમ દ્વારા લોન આપવામાં આવી હતી. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેનું ખાતું નવેમ્બર 2013માં NPA બની ગયું હતું. કંપનીને પુનઃજીવિત કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે સફળ થયા ન હતા. જો કે ICICI બેંક કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહી હતી. પરંતુ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક હોવાને કારણે SBIએ જ CBIમાં ફરિયાદ નોંધાવી હતી.
કોંગ્રેસે આ મામલે મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ રવિવારે ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે NCLT, અમદાવાદ ખાતે ABG શિપયાર્ડના લિક્વિડેશનનો મામલો 2017માં ગયો હતો. આ પછી 2019માં કંપનીની લોન અને બેંક ખાતાઓને 'ફ્રોડ' જાહેર કરવામાં આવ્યા હતા. પાંચ મહિના પછી SBI એ ABG શિપયાર્ડના ઋષિ અગ્રવાલ અને અન્યો વિરુદ્ધ FIR માટે ફરિયાદ દાખલ કરી. તેમણે કહ્યું કે તે જનતાના પૈસાની સીધી ચોરી છે પરંતુ સીબીઆઈ, એસબીઆઈ અને મોદી સરકારે આ સમગ્ર મામલાને નોકરશાહીની જાળમાં ફસાવી દીધો. ફક્ત ફાઈલો જ અહીં અને ત્યાં ફરતી રહી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીને લિક્વિડેશન પ્રક્રિયામાં મોકલ્યાના પાંચ વર્ષ પછી બે ડઝનથી વધુ બેંકો સાથે છેતરપિંડીના કેસમાં શા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, 2019માં જ જ્યારે કંપનીના ખાતામાં છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેની સામે કોઈ FIR કેમ ન થઇ?
બેંકો ક્યારે 'ફ્રોડ' જાહેર કરે છે?
ધિરાણ આપનારી બેંકોની સંયુક્ત બેઠકમાં ફોરેન્સિક ઓડિટ રિપોર્ટની ચર્ચા કરવામાં આવે ત્યારે કંપનીના બેંક ખાતામાં છેતરપિંડી હોવાનું કહેવાય છે. જ્યારે એકાઉન્ટને છેતરપિંડી જાહેર કરવામાં આવે છે, ત્યારે પ્રારંભિક ફરિયાદ સીબીઆઈને કરવામાં આવે છે. આ પછી તપાસ માટે વધુ માહિતી એકત્ર કરવામાં આવી છે.
કેટલાક કિસ્સાઓમાં જ્યારે વધુ વધારાની જટિલ માહિતી એકત્રિત કરવામાં આવે છે ત્યારે બીજી ફરિયાદ કરવામાં આવે છે. આ ફરિયાદ CBI તપાસનો આધાર બનાવે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર