વૃક્ષોને બચાવવાની અંતિમ લડાઈ લડવા આરે કૉલોનીના વિદ્યાર્થીઓ CJI પાસે પહોંચ્યાં

વૃક્ષોને કપાતા બચાવવા વિદ્યાર્થીઓની અંતિમ લડાઈ.

આરે કૉલોનીમાં મેટ્રો ડેપો બનાવવા માટે આશરે 2500 વૃક્ષોને કાપવા વિરુદ્ધ થયેલી અરજીને બૉમ્બો હાઇકોર્ટે ફગાવી દેવાના થોડા કલાકોમાં જ અધિકારીઓએ અહીં વૃક્ષોને કાપવાની શરૂઆત કરી દીધી હતી.

 • Share this:
  મુંબઈની આરે કૉલોની (Aarey Colony)માં 2500 વૃક્ષો કાપવાનો વિવાદ હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) પાસે પહોંચ્યો છે. રવિવારે વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી સ્થિત સીજેઆઈ રંજન ગોગોઈ (Ranjan Gogoi)ના ઘરે જશે અને તેમને વિનંતી કરશે કે વિશેષાધિકારનો ઉપયોગ કરીને આરે કૉલોનીમાં વૃક્ષોને કાપવા પર રોક લગાવે.

  દિલ્હી આવતા પહેલા પત્રકારો સાથે વાતચીત કરતા વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે કહ્યુ કે અમે અંતિમ લડાઈ લડવા જઈ રહ્યા છીએ. અમારી પાસે વૃક્ષોને કપાતા રોકવા માટે સમય નથી બચ્યો. એવામાં અમારે હવે કાયદાકીય રસ્તો અપનાવવો પડી રહ્યો છે.

  નોંધનીય છે કે આરે કૉલોનીમાં મેટ્રો ડેપો બનાવવા માટે આશરે 2500 વૃક્ષોને કાપવા વિરુદ્ધ થયેલી અરજીને બૉમ્બે હાઇકોર્ટે ફગાવી દીધાના થોડા કલાકોમાં જ અધિકારીઓએ અહીં વૃક્ષોને કાપવાની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન અહીં પર્યાવરણ પ્રેમીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં સરકારે કામમાં વિઘ્ન ઉભું કરવાના આરોપમાં 200 કાર્યકરોની અટકાયત કરી હતી.  આ પર્યાવરણ કાર્યકરોનું કહેવું છે કે આ વૃક્ષોને ગેરકાયદે રીતે કાપવામાં આવી રહ્યા છે, આ માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવી રહ્યું. તેમનું કહેવું છે કે વૃક્ષોને કાપવાના આદેશના 15 દિવસ બાદ જ તેને કાપી શકાય છે. જોકે, મુંબઈ મેટ્રો રેલ નિગમના વડાં અશ્વિની ભીડેએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે ટ્વિટ કર્યું કે, "15 દિવસની નોટિસની વાત સાવ ખોટી છે. આ વાત પાયાવિહોણી છે."  શું છે મામલો?

  મુંબઈમાં મેટ્રોના વિસ્તારનું કામ ચાલી રહ્યું છે. 2014માં શરૂ થયેલા મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ વર્સોવાથી ઘાટકોપર સુધીનો પૂર્ણ થઈ ચુક્યો છે. જે બાદમાં મેટ્રોને પાર્કિંગ શેડની જરૂર પડી છે. આખા મુંબઈમાં જગ્યા તપાસ્યા બાદ મેટ્રો સાથે જોડાયેલી કંપનીને શેડના નિર્માણ માટે આરે કૉલોની યોગ્ય જગ્યા લાગી હતી. આરે કૉલોનીને આરે જંગલ પણ કહે છે. અહીં એક અઠવાડિયા પહેલા બીએમસીએ વૃક્ષોને કાપવા માટેની મંજૂરી આપી દીધી હતી. મેટ્રો રેલના પ્રસ્તાવ પ્રમાણે કુલ 2702 વૃક્ષોમાંથી 2238 વૃક્ષો કાપવાના હતા. બાકીના વૃક્ષોને અહીંથી બીજી જગ્યાએ ખસેડી દેવાના હતા. મુંબઈના લોકોને આ વાતની ખબર પડતા તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: