દિલ્હીમાં AAP 54-60 બેઠક જીતી શકે, બીજેપીનાં ખાતામાં 10-14 બેઠક : ટાઇમ્સ નાઉ પોલ

News18 Gujarati
Updated: February 4, 2020, 1:47 PM IST
દિલ્હીમાં AAP 54-60 બેઠક જીતી શકે, બીજેપીનાં ખાતામાં 10-14 બેઠક : ટાઇમ્સ નાઉ પોલ
પ્રતિકાત્મક તસવીર

ટાઇમ્સ નાઉ-ઉપ્સોસ તરફથી કરવામાં આવેલા સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટીને 52 ટકા વોટ મળી શકે છે, જ્યારે બીજેપીને 34 ટકા વોટ મળી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020)માં આમ આદમી પાર્ટી 54થી 60 બેઠક જીતી શકે છે. જ્યારે બીજેપીને 10-14 બેઠક મળી શકે છે. જ્યારે રાજધાની દિલ્હી પર સતત 15 વર્ષ શાસન કરનારી કૉંગ્રેસને ફક્ત બે બેઠક મળવાનું અનુમાન છે. ટાઇમ્સ નાઉના જણાવ્યા પ્રમાણે 70 બેઠકો વાળી દિલ્હી વિધાનસભામાં ફરીથી એકવાર આમ આદમી પાર્ટી સરકાર બનાવશે.

જોકે, આ સર્વેને જો લોકસભા ચૂંટણીના સંદર્ભમાં જોવામાં આવે તો દિલ્હીમાં તમામ સાત બેઠક પર બીજેપી ફરીથી કબજો જમાવે. ટાઇમ્સ નાઉ-ઇપ્સોસ દ્વારા કરાવવામાં આવેલા પોલના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટી (આપ)ને 52 ટકા વોટ મળવાનો અંદાજ છે. જ્યારે બીજેપીને 34 ટકા વોટ મળી શકે છે. જો સર્વે સાચો ઠરે છે તો દિલ્હીમાં આપ 60 બેઠક પર કબજો જમાવી શકે છે. સર્વે પ્રમાણે 2015ની વિધાનસભાની ચૂંટણીના સરખામણીમાં આપના વોટશેરમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે બીજેપીએ વોટ શેરમાં 1.7 ટકાનું નુકસાન ભોગવવું પડી શકે છે.

જો અત્યારે દિલ્હીમાં લોકસભાની ચૂંટણી થાય તો બીજેપીને 46 ટકા વોટ મળી શકે છે, જ્યારે આપને 38 ટકા વોટ મળી શકે છે. વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી દિલ્હીવાસીઓના મનગમતા ઉમેદવાર છે. સર્વે પ્રમાણે 75 ટકા વોટ સાથે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે પ્રથમ પસંદ છે. જ્યારે બીજા નંબર પર રાહુલ ગાંધી છે, જેઓ ફક્ત આઠ ટકા લોકોની પસંદ છે.

નાગરિકતા સંશોધન કાનૂન (CAA) મુદે પૂછવામાં આવેલા સવાલ પર 71 ટકા લોકોનું માનવું હતું કે કેન્દ્ર સરકારે યોગ્ય પગલું ભર્યું છે. જ્યારે 52 ટકા લોકો શાહીનબાગ ધરણાની વિરુદ્ધમાં છે, જ્યારે 25 ટકા લોકો દેખાવકારોના સમર્થનમાં છે. બાકીના 24 ટકા લોકોએ આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી ન હતી. ટાઇમ્સ નાઉ-ઇપ્સોસના સર્વેમાં 7321 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સર્વેમાં સામેલ તમામ લોકો અલગ અલગ વર્ગોના અને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાંથી પસંદ કરાયા હતા. આ સર્વે ગત 27મી જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે દિલ્હીની 70 બેઠક પર આઠમી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેના ત્રણ દિવસ પછી એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ પરિણામોની જાહેરાત કરવામાં આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 13700થી વધારે મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
First published: February 4, 2020, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading