ખેડૂતોના આંદોલનનું A ટુ Z: કેમ તેઓ રસ્તા પર ઉતરવા થયા મજબૂર?

 • Share this:
  મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સરકારે વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ સાથે મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉમટી પડ્યા છે. ખેડૂતોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબા સમય સુધી વિધાનસભાનો ઘેરાવ કરશે.

  ખેડૂતો કેમ થયા છે નારાજ?

  વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારા ગત વર્ષે 34 હજાર કરોડ રૂપિયાની શરતોને આધીન કૃષિ માફીની જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે જૂનમાં થયેલી જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં 1753 ખેડૂત આત્મહત્યા કરી ચુક્યા છે. ખેડૂતો હવે આ મામલે આરપારના મૂડમાં છે.

  ક્યાંથી શરૂ થઈ રેલી?

  ખેડૂતોએ છઠ્ઠી માર્ચના રોજ નાસિકથી પગપાળા રેલી શરૂ કરી હતી. 11 માર્ચના રોજ તેઓ મુંબઈ પહોંચ્યા હતા. ખેડૂતોએ પગપાળા 180 કિલોમીટરની રેલી કરી હતી. નાસિકથી શરૂ થયેલી યાત્રા જ્યારે મુંબઈ પહોંચી ત્યારે આ રેલીમાં 40 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા હતા.

  આદિવાસીઓ વિરોધમાં કેમ સામેલ?

  ખેડૂતોની આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પણ સામેલ છે. આદિવાસીઓની માંગ છે કે જે જમીન પર તેઓ ભોગવટો કે ખેતી કરી રહ્યા છે તેનો માલિક હક્ક તેમને નથી મળ્યો. તેમને આ જમીન પર તેમનો હક્ક આપવામાં આવે.

  ખેડૂતોની શું માગણી છે?

  - ખેડૂતોની મુખ્ય માંગણીમાં કરજ મફી, વીજળી બિલ માફી, પાકનું યોગ્ય વળતર તેમજ સ્વામીનાથન સમિતિની ભલામણને લાગૂ કરવાનો સમાવેશ થાય છે.


  કોણ કરી રહ્યું છે ખેડૂતોની રેલીની આગેવાની?

  ખેડૂતોનું આ આંદોલન ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઈકેએસ)ના વડપણ હેઠળ ચાલી રહ્યું છે. એઆઈકેએસના બેનર હેઠળ ખેડૂતો લાંબા સમયથી કરજ માફી માટે આંદોલન ચલાવી રહ્યા છે. સત્તામાં રહેલી બીજેપીને બાદ કરતા તમામ રાજકીય પક્ષોએ આ આંદોલનને યોગ્ય ગણાવતા પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

  શું છે સ્વામીનાથન કમિશનની ભલામણ?

  પ્રોફેસર એમ એસ સ્વામીનાથન ભારતીય ગ્રીન ક્રાંતિના જનક છે. તેમના વડપણ હેઠળ નવેમ્બર 2004ના રોજ ફાર્મર કમિશન બનાવવામાં આવ્યું હતું. કમિશન ઓક્ટોબર 2006માં પોતાનો રિપોર્ટ આપી દીધો હતો. પરંતુ અત્યાર સુધી તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી.

  કમિશનની ભલામણોઃ

  - પાકની ઉત્પાદન કિંમતથી 50 ટકા વધારે કિંમત ખેડૂતોને આપવામાં આવે.
  - ખેડૂતોના સારી ગુણવત્તાનું બિયારણ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે.
  - ગામડાઓમાં ખેડૂતોની મદદ માટે ગ્રામ્ય માહિતી કેન્દ્ર (વિલેજ નોલેજ સેન્ટર) બનાવવામાં આવે.
  - મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બહાર પાડવામાં આવે.
  - ખેડૂતો માટે કૃષિ જોખમ ફંડ ઉભું કરવામાં આવે, જેના કારણે કુદરતી આફતના સમયે ખેડૂતોની મદદ કરી શકાય.
  - સરપ્લસ તેમજ પડતર જમીનના ટુકડાઓનું વિતરણ કરવામાં આવે.
  - ખેતીલાયક જમીન તેમજ જંગલની જમિનને બિન-ખેતીના ઉદેશ્ય માટે કોર્પોરેટ્સને સોંપવામાં ન આવે.
  - પાક વીમાની સુવિધા આખા દેશમાં દરેક પાક માટે આપવામાં આવે.
  - દરેક ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂત માટે ખેતી કરજની વ્યવસ્થા કરવામાં આવે.
  - સરકારની મદદથી ખેડૂતોને આપવામાં આવતા કરજ પર વ્યાજદર ઘટાડીને ચાર ટકા કરવામાં આવે.
  - કુદરતી આફતના સમયમાં પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી કરજ વસુલાત અને વ્યાજ વસુલાતમાં રાહત ચાલુ રહે.
  - સતત કુદરતી આફતના સમયમાં ખેડૂતોની મદદ માટે એક અગ્રિકલ્ચર રિસ્ક ફંડ ઉભું કરવામાં આવે.

  ચૂંટણી પહેલા ખેડૂતોના દાવ

  નોંધનીય છે કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે. સાથે જ મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એવામાં ખેડૂતોને લાગી રહ્યું છે કે સરકાર પર દબાણ લાવવા માટે આ યોગ્ય સમય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: