મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં પોતાના ઘરની બહાર રમી રહેલા એક 8 વર્ષના બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બુધવારે સાંજે પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક ગોળી બાળકના માથામાં વાગી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે મથુરાના મોહનપુરા ગામમાં લૂંટના આરોપીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. પોલીસ આ ગામમાં પહોંચી હતી અને ગુનેગારોને સરેન્ડર કરવા માટે સમજાવી રહી હતી. આ દરમિયાન ગેંગ તરફથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામા પક્ષે પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું.
ગેંગ અને પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગમાં એક ગોળી આઠ વર્ષના માધવ ભારદ્વાજના માથામાં વાગી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બાળકને પોલીસ કે ગુનેગારોમાંથી કોની ગોળી વાગી છે. પોલીસ અને ગુનેગારોની લડાઈમાં ભોગ બનેલા નિર્દોષ બાળકના પરિવારને યુપી સરકારે તમામ મદદ કરવાનું વચન આપ્યું છે. સરકારે બાળકના પરિવારને પાંચ લાખની સહાયની પણ જાહેરાત કરી છે.
નોંધનીય છે કે યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર રચાયા બાદ 900 જેટલા એન્કાઉન્ટરમાં 32 લોકોને ઠાર કરવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે સીએમ તરીકે શપથ લીધા બાદ રાજ્યમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવાની વાત કહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર