દેશમાં પ્રથમ વખત ગુજરાતના એક સહિત આઠ બીચને મળ્યું બ્લૂ ફ્લેગ સન્માન, જાણો શું હોય છે આ સન્માન?

દેશમાં પ્રથમ વખત ગુજરાતના એક સહિત આઠ બીચને મળ્યું બ્લૂ ફ્લેગ સન્માન, જાણો શું હોય છે આ સન્માન?
દેશના આઠ બીચને મળ્યો બ્લૂ ફ્લેગ.

બ્લૂ ફ્લેગની યાદી પ્રમાણે હાલ સ્પેન પાસે દુનિયાના સૌથી વધારે 566 બ્લૂ ફ્લેગ છે. આ ઉપરાંત ગ્રીસ પાસે 515 અને ફ્રાંસ પાસે 395 બ્લૂ ફ્લેગ મળ્યા છે. એટલે કે આટલા સમુદ્ર કિનારાઓ સ્વચ્છ છે.

  • Share this:
    નવી દિલ્હી: તાજેતરમાં ભારતના આઠ દરિયા કિનારાને બ્લૂ ફ્લેગ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશના સમુદ્ર કિનારાઓને પ્રથમ વખત આ માન્યતા મળી છે. આ સાથે જ આપણો દેશ પણ એ 50 દેશમાં સામેલ થઈ ગયો છે, જેની પાસે આ ફ્લેગ છે. નોંધનીય છે કે આ માન્યતા દુનિયાના સૌથી સ્વચ્છ દરિયા કિનારાઓને આપવામાં આવે છે. તો જાણીએ શું હોય છે બ્લૂ ફ્લેગ અને કયા દરિયા કિનારાઓને આ ફ્લેગ મળ્યો છે.

    બ્લૂ ફ્લેગ પ્રમાણપત્ર



    કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રવિવારે દેશને એક બે નહીં પરંતુ આઠ સમુદ્ર કિનારાઓને બ્લૂ ફ્લેગ મળ્યાની જાહેરાત કરી હતી. સ્વચ્છ સમુદ્ર કિનારા માટે મળતું આ સન્માન ડેનાર્કની 'ફાઉન્ડેશન ફૉર એન્વાયરમેન્ટ એજન્યુકેશન' સંસ્થા આપે છે. આ સંસ્થા વૈશ્વિક સ્તર પર પોતાની પારદર્શકતા અને કડક માપદંડ માટે જાણીતી છે. જે યોગ્ય તપાસ બાદ જ સમુદ્રને બ્લૂ ફ્લેગ આપે છે. આ માટે અલગ અલગ 33 માપદંડમાંથી પસાર થયા બાદ કોઈ દેશના સમુદ્ર કિનારાને આ સન્માન મળે છે.



    ભારતમાં કયા કયા સમુદ્ર કિનારાઓને આ પ્રમાણપત્ર મળ્યું?

    અત્યાર સુધી દેશમાં એક પણ સમુદ્ર કિનારો એટલો સ્વચ્છ ન હતો કે તેને બ્લૂ ફ્લેગ મળે. વર્ષ 2018માં દેશના પર્યાવરણ મંત્રાલયે 13 સમુદ્ર કિનારાઓને બ્લૂ ફ્લેગ નજીક જોયા હતા, જેમાંથી આઠ નામ ડેનમાર્ક મોકલ્યા હતા. આ તમામ સમુદ્ર કિનારાઓ તમામ કસોટીમાંથી પાર ઉતર્યા છે. જેમાં શિવરાજપુર (ગુજરાત), ઘોઘલા (દીવ) કાસરકોડ અને પદુબિદ્રી (કર્ણાટક) કપ્પડ, (કેરળ) રશિકોન્ડા (આંધ્ર પ્રદેશ), ગોલ્ડન (ઓડિશા) અને રાધાનગર (અંડમાન)નો સમાવેશ થાય છે. સાથે જ દેશમાં દરિયાકાંઠાઓને સ્વચ્છતા માટેના પ્રયાસો બદલ થર્ડ ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ પણ મળ્યો છે.

    એશિયામાં ચાર દેશ આ માટે યોગ્ય

    ઉલ્લેખનીય છે કે એશિયામાં ભારત સહિત ચાર દેશ પાસે બ્લૂ ફ્લેગ છે. જેમાં જાપાન, યૂએઈ અને દક્ષિણ કોરિયા સામેલ છે. બ્લૂ ફ્લેગની યાદી પ્રમાણે હાલ સ્પેન પાસે દુનિયાના સૌથી વધારે 566 બ્લૂ ફ્લેગ છે. આ ઉપરાંત ગ્રીસ પાસે 515 અને ફ્રાંસ પાસે 395 બ્લૂ ફ્લેગ મળ્યા છે. એટલે કે આટલા સમુદ્ર કિનારાઓ સ્વચ્છ છે.



    સ્પેન હંમેશા આગળ

    સમુદ્ર કિનારાઓને સ્વચ્છ રાખવાની ચળવળ ચલાવતી સંસ્થા FEE એક બિન-સરકારી સંસ્થા છે. આ સંસ્થાના 60 સભ્ય દેશ છે. હાલ FEE પોતાના સભ્ય દેશના સમુદ્ર કિનારાઓની તપાસ કરીને તેમને બ્લૂ ફ્લેગ આપે છે. સમુદ્રના કિનારાઓને સ્વચ્છ રાખવા માટેના પ્રયાસ રૂપે વર્ષ 1987માં શરૂ કરવામાં આવેલા આ એવોર્ડમાં સ્પેન શરૂઆતથી જ આગળ રહ્યું છે. આ દેશ છેલ્લા ત્રણ દાયકાથી યાદીમાં ઉપર રહ્યો છે.

    બ્લૂ ફ્લેગ માટે કઈ કઈ કસોટીમાંથી પસાર થવું પડે છે?

    બ્લૂ ફ્લેગ માટે જે તે સમુદ્ર કિનારાઓએ વિવિધ કસોટીમાંથી પસાર થવું પડે છે. જેમાં ફક્ત પાણી સ્વચ્છ હોવું જ નહીં પરંતુ એ પણ તપાસવામાં આવે છે કે અહીં લોકોની સુરક્ષા માટે કેવી વ્યવસ્થા છે. આ માટે કિનારા પર 24 કલાક લાઇફ ગાર્ડ્સ તૈનાત હોવી જોઈએ. સાથે જ દુર્ઘટનાના કેસમાં ફર્સ્ટ એઇડની વ્યવસ્થા હોવી જોઈએ.

    આ પણ જુઓ-

    એટલું જ નહીં સમુદ્રની અંદર રહેતા જીવ-જંતુ અને વનસ્પતિની સુરક્ષા માટે પણ પ્રયાસ કરેલા હોવા જોઇએ. બીચને સ્વચ્છ રાખવા માટે એક મેનેજમેન્ટ કમિટી પણ હોવી જોઈએ જે આ માટે સતત પ્રયાસ કરતી હોય. બીચમાં ફરવા આવતા લોકો માટે ડસ્ટબિન તેમજ સ્વચ્છતા માટે અન્ય વ્યવસ્થા પણ હોવી જોઈએ. બીચ પર લોકો પાળતું કૂતરા સાથે પણ આવતા હોય છે. આથી પ્રાણીઓ માટે પણ નિયમો જરૂરી છે, આ નિયમોનું ધ્યાન પ્રાણીઓના માલિકોએ રાખવાનું હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:October 12, 2020, 13:41 pm