India@75: ...જ્યારે તમામ પાર્ટીઓએ કલામના રાષ્ટ્રપતિ બનવા પર લગાવી હતી મહોર
અબ્દુલ કલામ (Shutterstock તસવીર)
75th Year of Independence Day of India : અબ્દુલ કલામનું સ્વપ્ન ભારતીય વાયુસેનામાં જોડાવાનું હતું. પરંતુ ભરતી પરીક્ષામાં ભાગ લેનાર 25માંથી માત્ર 8 ઉમેદવારોની જ પસંદગી થવાની હતી અને કલામ 9મા ક્રમે રહ્યા હતા. તેનું સ્વપ્ન તૂટી ગયું હતું, પરંતુ તેમના ભાગ્યમાં કંઈક મોટું લખાયું હતું. કલામે બીજી કોઈ રીતે દેશની સેવા કરવાની હતી. તેમને દેશનું રત્ન બનવાનું હતું, જેને દેશ વર્ષો સુધી રાખી શકે.
નવી દિલ્હી: દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સમયે દેશમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ (APJ Kalam)ને યાદ કરવા રહ્યા. તેઓ દેશના એવા રાષ્ટ્રપતિ (President) છે, જેમને દેશની જનતાનો સૌથી વધારે પ્રેમ મળ્યો. તેઓ વૈજ્ઞાનિક હતા ત્યારથી જ દેશવાસીઓના હૃદયમાં તેમની દેશસેવાના યોગદાનને લઈને ખાસ સ્થાન હતું. જયારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા તો દેશવાસીઓ તેમની સાદગી પર ફિદા થઇ ગયા હતા. 27 જુલાઈ, 2015ના રોજ ડૉ. કલામનું નિધન થઇ ગયું હતું. પરંતુ આજે પણ તેમની ખૂબીઓના કારણે દેશવાસીઓ યાદ કરે છે.
એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ તામિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમનું પૂરૂ નામ અબુલ પાકીર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ હતું. તેમનો જન્મ માછીમારના ઘરમાં થયો હતો અને તેમનું બાળપણ અભાવમાં વીત્યું હતું. તેમના મનપસંદ વિષય ગણિત અને ભૌતિક વિજ્ઞાન હતા. ડૉ. કલામને ભણવાનો એટલો બધો શોખ હતો કે તેઓ બસ સ્ટેન્ડે ન્યુઝ પેપર વેચીને પોતાનો ખર્ચ કાઢતા હતા.
એરફોર્સની પરીક્ષામાં થયા નાપાસ
અબ્દુલ કલામનું સ્વપ્ન ભારતીય વાયુસેનામાં જોડાવાનું હતું. પરંતુ ભરતી પરીક્ષામાં ભાગ લેનાર 25માંથી માત્ર 8 ઉમેદવારોની જ પસંદગી થવાની હતી અને કલામ 9મા ક્રમે રહ્યા હતા. તેનું સ્વપ્ન તૂટી ગયું હતું, પરંતુ તેમના ભાગ્યમાં કંઈક મોટું લખાયું હતું. કલામે બીજી કોઈ રીતે દેશની સેવા કરવાની હતી. તેમને દેશનું રત્ન બનવાનું હતું, જેને દેશ વર્ષો સુધી રાખી શકે.
તેમણે મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1962માં તેમણે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો (ISRO)માં નોકરી શરૂ કરી. તેમના માર્ગદર્શન હેઠળ ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન PSAV-3 બનાવ્યું અને 1980માં પ્રથમ ઉપગ્રહ રોહિણીને અવકાશમાં મૂકવામાં આવ્યો.
કલામને મળ્યું 'મિસાઇલ મેન' નામ
કલામે અવકાશ સંશોધન અને મિસાઇલ ટેકનોલોજી પર ઘણું કામ કર્યું. તે સમયે મિસાઇલો રાખવી તે દેશની તાકાત અને આત્મરક્ષણનો પર્યાય માનવામાં આવતી હતી. પરંતુ વિશ્વના શક્તિશાળી દેશો ભારત જેવા દેશ સાથે તેમની મિસાઇલ ટેકનોલોજી શેર નહોતા કરતા. જેથી ભારત સરકારે તેનો સ્વદેશી મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ઇન્ટીગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જવાબદારી કલામ સાહેબને સોંપવામાં આવી હતી.
ડૉ. કલામના નેતૃત્વ હેઠળ ભારતે જમીનથી જમીન પર હુમલો કરતી મધ્યમ-અંતરની પૃથ્વી મિસાઇલ, જમીનથી હવામાં માર કરતી ત્રિશૂલ મિસાઇલ અને એન્ટી ટેન્ક નાગ જેવી મિસાઇલો બનાવીને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. જેના કારણે ડૉ. કલામ 'મિસાઇલ મેન' (Missile Man) તરીકે પ્રખ્યાત થયા હતા.
અબ્દુલ કલામ 1992થી 1999 સુધી રક્ષામંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા હતા. તેઓ જયારે વૈજ્ઞાનિક સલાહકાર હતા ત્યારે જ વાજપેયીની સરકાર હેઠળ પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું હતું. જેમાં કલામ સાહેબની ભૂમિકા મહત્વની રહી હતી. તેમની સિદ્ધિઓને કારણે તેમને 1997 સુધીમાં ભારત રત્ન સહિત તમામ નાગરિક સન્માન મળી ચુક્યા હતા.
2002માં કલામના જીવનમાં આવ્યો ટર્નિંગ પોઇન્ટ
વર્ષ 2002માં કલામના જીવનમાં મહત્વનો વળાંક આવ્યો. એક તરફ 2002માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનનો કાર્યકાળ પૂરો થવાનો હતો. જયારે બીજી તરફ આ દરમિયાન વાજપેયી સરકાર પાસે પૂરતી બહુમતી ન હોવાથી તેઓ પોતાની પસંદગીના રાષ્ટ્રપતિની વરણી નહોતા કરી શકતા.
ત્યારે આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે અબ્દુલ કલામનું નામ આગળ કર્યું હતું. જેને વાજપેયી સરકારે સ્વીકાર્યું હતું. જોકે, કોંગ્રેસ સામે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ હતી. કોંગ્રેસ મુસ્લિમ સમુદાયના કોઈ અગ્રણી વ્યક્તિની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નામંજૂર કરવાનું જોખમ નહોતી ખેડી શકતી. ડાબેરી પક્ષોએ પણ કલામની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. આ રીતે કલામ દેશના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા.
ડૉ. કલામ દેશના પ્રથમ અને એકમાત્ર બિન-રાજકીય રાષ્ટ્રપતિ હતા. કદાચ આ જ કારણે તેમને લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. તેમની સાદગીની ચર્ચા ચારેય તરફ હતી. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પછી તેઓ બીજા લોકપ્રિય રાષ્ટ્રપતિ માનવામા આવતા હતા.
પૂર્ણ કર્યું બાળપણનું સપનું
ડૉ. કલામ રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ તેમણે સાદગી અને ઈમાનદારીને જ પોતાના જીવનના મૂળ મંત્ર રાખ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સબંધીઓ જ્યારે તેમને મળવા આવતા, ત્યારે તેમના રહેવાનો ખર્ચ તેઓ પોતાના ખિસ્સામાંથી કાઢતા હતા. રાષ્ટ્રપતિ બન્યાના પહેલા જ વર્ષમાં તેમણે પવિત્ર રમજાન મહિનામાં ઈફ્તારની પાર્ટી બંધ કરી દીધી હતી અને નિર્ણય લીધો હતો કે આ બજેટની રકમ અનાથ બાળકોની ચેરિટી માટે વાપરવામાં આવે.
કલામ સાહેબનું ફાઇટર પાઇલટ બનવાનું સ્વપ્ન પૂર્ણ થયું ન હતું. પરંતુ વર્ષ 2006માં એક પ્રસંગ એવો આવ્યો હતો, જ્યારે તેમણે દેશના સૌથી અદ્યતન લડાકુ વિમાન સુખોઈ-30માં કૉ-પાયલટ તરીકે 30 મિનિટની ઉડાન ભરી હતી. ત્યારે ડૉ. કલામ લડાકુ વિમાનમાં બેસનારા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
વર્ષ 2007માં પાંચ વર્ષની મુદત પૂરી કર્યા પછી તેમણે પદ છોડ્યું. 27 જુલાઈ, 2015ના રોજ શિલૉંગમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. કલામ સાહેબે તેમના 83 વર્ષના જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા છે. તેમની યાદ હંમેશા દેશવાસીઓના હૃદયમાં રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર