મુંબઈના ડબ્બાવાળાઓએ ઠાર્યું વિરોધ કરી રહેલા હજારો ખેડૂતોનું પેટ!

 • Share this:
  અખિલ ભારતીય ખેડૂત સભાના નેતૃત્વમાં નાસિકથી રેલી કાઢીને નીકળેલા ખેડૂતો મુંબઈના આઝાદ મેદાન પહોંચી ગયા છે. સંપૂર્ણ કરજ માફી જેવી માંગણી સાથે નીકળેલા ખેડૂતો 200 કિલોમીટરની પગપાળા યાત્રા કરીને મુંબઈ પહોંચી ગયા છે.  વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કોંગ્રેસ, શિવસેના અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ પોતાનું સર્મથન જાહેર કર્યું છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા આ ખેડૂતોને સોમવારે બરોપે મુંબઈના ડબ્બાવાળાઓએ ભોજન કરાવ્યું હતું.

  12 સભ્યોનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું

  ખેડૂતોનું 12 લોકોનું એક પ્રતિનિધિ મંડળ વિવિધ માંગણીઓને લઈને આજે(સોમવારે) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું. આ વચ્ચે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અંગે પૂનમ મહાજને કહ્યું હતું કે, તેમના (ખેડૂતોના) હાથમાં લાલ ઝંડા છે. તેઓ શહેરના માઓવાદિયોથી પ્રભાવિત છે.

  રાહુલ ગાંધીનું ટ્વિટ

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર વડાપ્રધાન મોદીને કહ્યું કે, ખેડૂતો અને આદિવાસીઓની માંગણી સ્વીકાર કરવામાં આવે. તેમણે મોદી અને સીએમ ફડણવીસને આગ્રહ કર્યો કે તેઓ મહારાષ્ટ્રમાં હજારો ખેડૂતો અને આદિવાસીઓની માંગણીઓનો સ્વીકાર કરે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ ખેડૂતો અને આદિવાસીઓની પડખે છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે 'હું વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીને અપીલ કરું છું કે તેઓ અહંકારનો ત્યાગ કરે અને ખેડૂતોની માંગણીનો સ્વીકાર કરે.'

  ખેડૂતોને ડબ્બાવાળાઓએ જમાડ્યા

  પોતાની વિવિધ માંગણીઓ સાથે મુંબઈના આઝાદ મેદાનમાં હાજર હજારો ખેડૂતોની મદદ કરવા માટે મુંબઈના ડબ્બાવાળાઓ આગળ આવ્યા હતા. ડબ્બાવાળાઓએ તેમના માટે ખાવાની વ્યવસ્થા કરી હતી. મુંબઈ ડબ્બાવાળા સંઘના પ્રવક્તા સુભાષ તલેકરે કહ્યું કે, 'અમે આ ખેડૂતોની મદદ કરવાનું વિચાર્યું હતું. આ અમારા અન્નદાતા છે. આ લોકો પરેશાન થઈને આટલે દૂર આવ્યા છે. એવામાં અમને લાગ્યું કે અમારે તેમનું પેટ ઠારવું જોઈએ. અમે કોલાબા અને દાદર વચ્ચે કામ કરતા અમારા લોકોને પોતાની 'રોટી બેંક''માંથી ખાવાની વ્યવસ્થા કરીને આઝાદ મેદાનમાં પહોંચાડવાનું કહ્યું હતું.'  આંદોલન કરનાર લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે


  શું છે ખેડૂતોની માંગણી?

  - આંદોલન કરી રહેલા ખેડૂતોની પ્રથમ માંગણી સંપૂર્ણ કરજ માફીની છે. બેંકો પાસેથી લીધેલું કરજ ખેડૂતો માટે બોજ બની ગયું છે. દર વખતે ખરાબ ચોમાસાને કારણે ખેડૂતોએ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે તેમનું તમામ કરજ માફ કરી દેવામાં આવે.

  - ખેડૂત સંગઠનોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતો પાક નિષ્ફળ જવાને કારણે વીજળીનું બિલ નથી ચુકવી શકતા. આથી બિલમાં રાહત આપવામાં આવે.

  - ખેડૂતો પોતાના ઉત્પાદનોની યોગ્ય કિંમત નહીં મળવાને કારણે નારાજ છે. સરકારે તાજેતરમાં જ બજેટમાં ખેડૂતોની એમએસપીની ભેટ આપી હતી, પરંતુ અમુક સંગઠનોનું માનવું છે કે કેન્દ્ર સરકારની એમએસપી યોજના ફક્ત દેખાડો જ છે.

  - ખેડૂતો માટે સ્વામીનાથન આયોગની ભલામણો લાગૂ કરવાની ખેડૂતો કરી રહ્યા છે.

  આદિત્ય ઠાકરેએ ખેડૂતો સાથે કરી મુલાકાત

  શિવસેના યૂથ વિંગના લીડર આદિત્ય ઠાકરેએ રવિવારે અહી ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તે રેલીમાં પણ સામેલ થયા હતા. આદિત્ય ઠાકરેએ ખેડૂતોને કહ્યું કે, 'બધા શિવ સૈનિકો પછી ભલે તે મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય અથવા સ્થાનિક નેતા હોય, તમારી મુશ્કેલી દૂર કરવાની કોશિશ કરશે. તમે મને કહ્યું હતું 'લાલ સલામ.' હું તમને કહું છું, 'જય મહારાષ્ટ્ર.' આપણે બધા જમીન સાથે જોડાયેલા છીએ અને આપણી મુશ્કેલીઓ પણ એક જેવી જ છે.'

  ગુજરાતના યુવા નેતાઓ ક્યારે જાગશે?

  ગુજરાતમાં પણ નર્મદાના પાણી, સિંચાઇના પ્રશ્નો, મગફળીના ટેકાના ભાવો, ખાતરની અપ્રાપ્યતા અને અન્ય સંખ્યાબંધ સળગતા પ્રશ્નોની સાથે-સાથે રાજ્યના લગભગ પ્રત્યેક વિસ્તારોમાંથી પ્રતિદિન દલિતો તેમની સાંથણીની જમીન, રોજગારી, દમન અને મહેંતાણાનાં પ્રશ્ને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા હોવાના સમાચાર પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં પણ "વાઇબ્રન્ટ"અંતર્ગત રોજગારી ઉભી થશે તેવી લાલ-લીલી બત્તીઓ પકડાવીને સરકારે સસ્તા ભાવે ખેડૂતોની, ગૌચર અને અન્ય ફળદ્રુપ જમીનો ઉપર યા તો કબજો કરી લીધો છે અથવા તો મોંઘા મોલની જમીનો સસ્તામાં ઉદ્યોગકારોને પધરાવી દીધી છે. રાજ્યમાં ખેડૂતોની સામે ખેતમજૂરોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, જે અત્યંત દુઃખદાયક છે.

  આ ગંભીર પરિસ્થિતિમાં હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર તથા કોંગ્રેસ પક્ષના યુવા નેતાઓ પરેશ ધાનાણી, જવાહર ચાવડા, શૈલેષ પરમાર, વિક્રમ માડમ, ઇમરાન ખેડવાળા વગેરેએ વિધાનસભાની અંદર ચાલી રહેલી લડતને રસ્તા ઉપર લાવવાની જરૂર છે. મહારાષ્ટ્રના આ ખેડૂતોનું આંદોલન જોઈને આશા રાખીએ કે ગુજરાતમાં પણ તેમના હકની અને ઉચિત માંગણીઓ માટે (નહિ કે પદ્માવત ફિલ્મના વિરોધ જેવા ગેરબંધારણીય મામલે) ખેડૂતો-વંચિતો અને દલિતો ચોતરફથી તેમનો અવાજ બુલંદ કરે અને ગુજરાતની ખરી "અસ્મિતા" દર્શાવે!
  Published by:Vinod Zankhaliya
  First published: