પુલવામા એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, રાઇફલ સાથે ભાગેલા બે SPO પણ ઠાર

પોલીસને હાથતાલી આપી ભાગેલા SPO

બંને એસપીઓ ગુરુવારે સાંજે સર્વિસ રાઇફલ સાથે ભાગી ગયા હતા, બંને પુલવામાના રહેવાશી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 • Share this:
  શ્રીનગર :  જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સુરક્ષા બળો અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધી ચાર આતંકીઓ ઠાર મરાયા છે. આ ચાર આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે SPO પણ સામેલ છે, બંને ગુરુવારે સાંજે સર્વિસ રાઇફલ સાથે ભાગી ગયા હતા.

  બંને એસપીઓની ઓળખ શબીર અહમદ અને સલમાન અહમદ તરીકે કરવામાં આવી છે. બંને પુલવામાના રહેવાશી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  માર્યા ગયેલા તમામ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવે છે. સુરક્ષા બળોને શુક્રવારે સવારે ગુપ્ત માહિતી મળી હતી કે એક રહેણાક વિસ્તારમાં આતંકીઓ છૂપાયા છે, જે બાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

  આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર : પોલીસકર્મીએ પથ્થરમારા વચ્ચે ઢાલ બનીને મહિલાને બચાવી

  સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહી

  પુલવામાના પંજરેમાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાની 44 RR અને જમ્મુ-કાશ્મીરના SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હાલ સેના અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

  નોંધનીય છે કે સુરક્ષા બળો દ્વારા કાશ્મીર ઘાટીમાં આતંકીઓના ખાત્મ માટે ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પણ સુરક્ષા બળોએ 250થી વધારે આતંકીઓનો સફાયો કર્યો હતો. આ વર્ષે પણ અત્યાર સુધી આ આંકડો 100ને પાર કરી ગયો છે.

  હિટ લિસ્ટ તૈયાર

  સુરક્ષા બળોએ ટોચના 10 આતંકીઓની એક યાદી તૈયાર કરી છે, આ આતંકીઓને શોધીને તેમનો ખાત્મો બોલાવવામાં આવશે. આ યાદીમાં રિયાઝ નાઇકૂ, ઓસામા અને અશરફ જેવા આતંકીઓ સામેલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: