36 વર્ષની દલિત મહિલાએ વાળ રંગીને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યાનો દાવો કર્યો

News18 Gujarati
Updated: January 10, 2019, 11:03 AM IST
36 વર્ષની દલિત મહિલાએ વાળ રંગીને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યાનો દાવો કર્યો
મંદિરમાં પ્રવેશ કરનારી પી મંજુ

મહિલાએ દાવો કર્યો કે, તેણીએ પોતાના વાળ રંગા નાખ્યા હતા તેમજ વૃદ્ધા હોવાનો ઢોંગ કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ ગયા અઠવાડિયે 10થી 50 વર્ષની વયની બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરતા રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન બુધવારે એક 36 વર્ષીય દલિત મહિલા કાર્યકરે સબરીમાલા મંદિરમાં ભગવાન અય્યપ્પાના દર્શન કર્યાનો દાવો કર્યો છે. મહિલાના કહેવા પ્રમાણે તેણે પોતાના વાળને રંગી નાખ્યા હતા અને પોતે વૃદ્ધા હોય તેવો વેશ ધારણ કર્યો હતો. મહિલાએ મંગળવારે વહેલી સવારે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

પી મંજુ નામની 36 વર્ષીય મહિલાએ ફેસબુક પોસ્ટ લખીને દાવો કર્યો છે કે તેણીએ વૃદ્ધ મહિલા હોવાનો ઢોંગ કરીને પવિત્ર મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંજુએ મંદિર ખાતે દર્શન કરતી હોય તેવી તસવીર પણ પોસ્ટ કરી છે. પોલીસે આ અંગે કહ્યું છે કે મહિલાના દાવા પર અમે તપાસ કરી રહ્યા છીએ.

મંજુએ દાવો કર્યો હતો કે તેણીએ પોલીસની સુરક્ષા વગર જ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. તેણી ભીડ સાથે જ મંદિરમાં પ્રવેશી હતી. નોંધનીય છે કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ મંજુએ 20 મહિલાઓ સાથે મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં જમણેરી વિંગના કાર્યકરોએ દક્ષિણ કેરળના કોલ્લમ ખાતે આવેલા તેના ઘર પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાએ કહ્યું, 'અમે પોલીસ રક્ષણ વગર જ દર્શન કર્યા'

મંજુએ કહ્યું કે, "મેં ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો. હું એક સામાન્ય દર્શનાર્થી તરીકે જ આવી પહોંચી હતી. જોકે, એ વાત સાચી છે કે વિરોધનો સામનો ન કરવો પડે તે માટે મેં મારા વાળને ગ્રે રંગમાં રંગી દીધા હતા અને એક વૃદ્ધા હોવાનો ઢોંગ કર્યો હતો. દર્શન દરમિયાન કોઈનું મારા તરફ ધ્યાન ગયું ન હતું. હું ભવિષ્યમાં પણ દર્શનનો લ્હાવો લેતી રહીશ." પી મંજુ મહિલા દલિત ફેડરેશનની સક્રિય કાર્યકર છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બિન્દુ અમ્મીની અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ સૌપ્રથમ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મહિલાઓએ દાવો કર્યો હતો કે બંનેએ પોલીસ રક્ષણ વગર જ દર્શન કર્યા હતા.નોંધનીય છે કે કેરળના શબરીમાલા ખાતે આવેલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પ્રવેશ કરી શકતી નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટે આદેશ કરતા મહિલાઓને દર્શનની છૂટ આપી હતી. જોકે, શ્રદ્ધાળુઓના વિરોધને પગલે મંદિરમાં હજુ સુધી કોઈ મહિલા પ્રવેશ કરી શકતી નથી.
First published: January 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading