22 વર્ષના મેડિકલના ભારતીય વિદ્યાર્થીનું ચીનમાં મોત થયું
22 વર્ષના અબ્દુલ શેખ કે જેઓ પાછલા 5 વર્ષથી ચીનમાં રહેતા હતા, તેઓ ત્યાં ઈન્ટર્નશિપ કરી રહ્યા હતા. હવે તેમનું ત્યાં મોત થઈ ગયું છે બીમારીમાં સપડાયા બાદ અબ્દુલનું મોત થતા પરિવારે મૃતદેહ પરત લાવવા માટે રજૂઆત કરી છે.
ચીનમાં ફરી એકવાર કોરોનાનો કેર વર્તાયો છે અને તેમાં દેશમાં જે સ્થિતિ ઉભી થઈ છે તે દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યું છે. આવામાં એક ભારતીય મેડિકલના વિદ્યાર્થીનું ચીનમાં મોત થયાની ઘટના બની છે. 22 વર્ષના તામિલનાડુના મેડિકલના વિદ્યાર્થીનું બિમારીના કારણે મોત થઈ ગયું છે અને મૃતક વિદ્યાર્થીના ગરીબ પરિવારે વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ્સ મુજબ, 22 વર્ષનો અબ્દુલ શેખ પાછલા 5 વર્ષથી ચીનમાં રહેતો હતો, જે ઈન્ટર્નશીપ કરવા માટે ચીનમાં ગયો હતો. અબ્દુલ હાલમાં જ ભારત આવ્યો હતો અને તે 11 ડિસેમ્બરે ચીન પર ગયો હતો.
અબ્દુલે ચીન પહોંચ્યા પછી 8 દિવસ માટે તે આઈસોલેશનમાં રહ્યો હતો, અબ્દુલ દક્ષિણ ચીનમાં આવેલી ઓઈકિહર મેડિકલ યુનિવર્સિટીમાં ઈન્ટર્ન તરીકે ફરજ પર હતો. તે ગંભીર રીતે બીમાર થતા તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીના પરિવારે વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે કે પોતાના દીકરાના અંતિમ સંસ્કાર કરવા માટે તેનો મૃતદેહ ભારતમાં લાવવામાં આવે અને તેમણે મદદ માટે તામિલનાડુ સરકારને પણ રજૂઆત કરી છે.
ચીનમાં બહુ જ ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે, ચીનથી ભારત આવનારા લોકોને ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે જ્યારે 12 જેટલા દેશો એવા છે કે જેમણે ચીનથી આવનારા મુસાફરો માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
પાછલા મહિને જ ચીને "ઝીરો-કોવિડ"નો અંત આણીને ફરી લોકડાઉન અને માસ ટેસ્ટિંગ સહિતના નિયંત્રણો લાદી દીધા છે. ત્રણ વર્ષ પહેલા ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનો ફેલાવો શરુ થયો હતો અને તેણે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લીધી હતી, હવે ફરી એકવાર ચીનના કારણે દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભારત સહિતના દેશોમાં સુરક્ષિત પગલા ભરવાનું શરુ કરી દીધું છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર