હૈદરાબાદ : દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણા (Telangana)માં બે સગીર છોકરાઓ સાથેની અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં, બે સગીરને સામાન્ય ચોરીની શંકાના આધારે નિર્દયતાથી માર મારવામાં આવતો હતો, આટલું જ નહીં, તેમના ચહેરા પર ગાયનું છાણ પણ લગાવવામાં આવ્યું હતું. આ મામલે તેલંગાણા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ગુરુવારે આ ઘટના રાજ્યના મહેબૂબાબાદ જિલ્લામાં બની હતી.
ઉલ્લેખનીય છે કે, બંને છોકરાઓ પોતાના પાળતુ કૂતરાની શોધમાં થોરુર ગામની બહાર ગયા હતાં. અહીં બે લોકો કેરીના બગીચાની રક્ષા કરી રહ્યા હતા. બંનેએ સામાન્ય ચોરીની શંકાએ આ છોકરાઓને પકડ્યા હતા અને તેમની સાથે બર્બરતા કરવામાં આવી હતી. જોકે, છોકરાઓ એમ કહેતા રહ્યા કે, તેઓ તેમના પાલતુ કૂતરાને શોધી રહ્યા છે. પરંતુ તેમના પર કોઈને પણ દયા ન આવી.
આરોપીઓએ આ શરમજનક ઘટનાનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો
બગીચાની રક્ષા કરતા બે શખ્સોએ છોકરાઓને દોરડાથી બાંધી દીધા હતા અને ખરાબ રીતે માર માર્યો હતો. આ પછી, મોં પર છાણ લગાવવામાં આવ્યું. આરોપીએ આ શરમજનક ઘટનાનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકોની આકરી પ્રતિક્રિયાઓ આવવા લાગી. ટૂંક સમયમાં આ વિડિઓ તંત્ર સુધી પણ પહોંચ્યો. પોલીસે આ કેસમાં તાકીદે કાર્યવાહી કરતાં બંને આરોપીની ધરપકડ કરી છે.
જિલ્લાના એસપી નંદ્યાલા રેડ્ડીએ જણાવ્યું છે કે, આરોપીઓની ઓળખ બનોથુ યાકુ અને બનોથુ રામુલુ તરીકે થઈ છે. આ બંનેને કેરીના બગીચાની રક્ષા કરવા માટે રાખવામાં આવ્યા હતા. બંને સામે આઈપીસીની કલમ 342, 324, 504 હેઠળ ગુનો દાખલ કરાયો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર