કર્ણાટક અંગે સુપ્રીમનો મોટો નિર્ણય : ગેરલાયક ઠરેલા 17 MLA પેટા ચૂંટણી લડી શકશે

News18 Gujarati
Updated: November 13, 2019, 1:05 PM IST
કર્ણાટક અંગે સુપ્રીમનો મોટો નિર્ણય : ગેરલાયક ઠરેલા 17 MLA પેટા ચૂંટણી લડી શકશે
ગેરલાયક ઠરેલા ધારાસભ્યો પેટા ચૂંટણી લડી શકશે.

સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ ગેરલાયક ઠરેલા ધારાસભ્યો પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં ભાગ લઈ શકશે.

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court) કર્ણાટક (Karnataka) વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ દ્વારા 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને બુધવારે યથાવત્ રાખ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યોને પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનાર પેટા ચૂંટણી લડવાની છૂટ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયનો એ હિસ્સો રદ કરી નાખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ ધારાસભ્યો 15મી કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવા સુધી ગેરલાયક ગણાશે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને અયોગ્ય ઠેરવતા તમામ ધારાસભ્યોનો પેટા ચૂંટણી લડવાની માર્ગ મોકળી કરી દીધો છે.

જસ્ટિસ એન.વી. રમણ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની ખંડપીઠે કહ્યુ કે પેટા ચૂંટણી જીત્યા બાદ આ ધારાસભ્યો મંત્રી બની શકે છે, અથવા સાર્વજનિક કાર્યાલયનો પદભાર સંભાળી શકે છે. સાથે જ કોર્ટે તમામ ધારાસભ્યો તરફથી હાઇકોર્ટમાં અરજી કરવાને બદલે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ કોર્ટે કહ્યુ કે તેમનો નિર્ણય મામલાના સત્ય અને પરિસ્થિતિ પર આધારિત છે, આ નિર્ણય અધ્યક્ષના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા સંબંધી અધિકારોમાં હસ્તક્ષેપ નથી કરતો.

વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારે વિધાનસભામાં એચ.ડી કુમારસ્વામી સરકારના વિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. વિધાનસભામાં વિશ્વાસ મત ન મેળવી શકનારી કુમારસ્વામી સરકારે રાજીનામું આપી દીધું હતું. જે બાદમાં ભાજપના બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં નવી સરકાર બની હતી. આ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા બાદ 17માંથી 15 બેઠક પર આગામી પાંચમી ડિસેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

ચૂંટણી પંચે પહેલા 21મી ઓક્ટોબરના રોજ 15 બેઠક પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જોકે, આ કેસ કોર્ટમાં પડતર રહેતા ચૂંટણી પાંચમી ડિસેમ્બર સુધી ટળી હતી. પેટા ચૂંટણી માટે 11મી નવેમ્બરથી આચાર સંહિતા લાગૂ પડી જશે. પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું કામ 11મી નવેમ્બરથી 18મી નવેમ્બર સુધી ચાલશે.

ગેરલાયક ઠરેલા ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા

કર્ણાટકમાં ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારાસભ્યોએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 15 બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીની તારીખની સ્થગિત કરી દેવાની વિનંતી કરી હતી. ધારાસભ્યોનું કહેવું હતું કે તેમની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી ચૂંટણી પંચે આ બેઠકો પર ચૂંટણી ન યોજવી જોઈએ. અયોગ્ય જાહેર કરેલા ધારાસભ્યોની દલીલ હતી કે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપવું તેમનો અધિકાર છે અને અધ્યક્ષનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આ ધારાસભ્યોએ સભ્યપદેથી રાજીનામું આપીને અધ્યક્ષને પત્ર લખ્યો હતો.
First published: November 13, 2019, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading