26/11 Mumbai Attack: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકી હુમલાની આજે 13મી વરસી છે. આ હુમલાને ભારતના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકી હુમલો કહેવામાં આવે છે. આ ઘટના વિશે વાંચતા કે ફિલ્મોમાં તેનું રૂપાંતરણ જોતાં જ લોકોના રૂંવાડા ઊભા થઈ જાય છે. વર્ષ 2008માં 26 નવેમ્બરના દિવસે 10 પાકિસ્તાની આતંકવાદીઓ સમૃદ્ર માર્ગે મુંબઈ પહોંચ્યા હતા અને કેટલાંય સ્થાનો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો જેમાં 18 સુરક્ષાકર્મી સહિત 166 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત, ઘાયલ થનારા લોકોની સંખ્યા પણ ઘણી છે.
ગેટવે ઓફ ઇન્ડિયા પર શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે જણાવી દઈએ કે, આજે આ હુમલાની 13મી વરસી નિમિત્તે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં બનેલા શહીદ સ્મારક ખાતે સવારે 9 વાગ્યે શહીદ અધિકારીઓ અને પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ સવારે 10.45 કલાકે ગેટવે ઓફ ઈન્ડિયા પર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ અને અન્યો કાર્યક્રમમાં હાજરી આપશે.
મુંબઈના વિવિધ સ્થળોએ ધમાકા થયા હતા
આતંકવાદીઓએ સૌથી પહેલા રાત્રે 9.30 કલાકે છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ AK47થી 15 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો, જેમાં 52 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ લગભગ 10.30 વાગ્યે વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીને આતંકવાદીઓએ બોમ્બથી ઉડાવી દીધી હતી. જેમાં ટેક્સી ડ્રાઈવર સહિત એક મુસાફરનું મોત થયું હતું. તેની 15 મિનિટ પછી બોરીબંદરથી બીજી ટેક્સીને ઉડાવી દેવામાં આવી હતી જેમાં બે મુસાફરોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા.
આતંકવાદીઓએ મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમાન હાઉસ પર પણ હુમલો કર્યો હતો. તો 29 નવેમ્બરની સવાર સુધીમાં સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તે જ સમયે અજમલ કસાબ પોલીસ કસ્ટડીમાં હતો.
હુમલાની બીજી સવારે એટલે કે 27 નવેમ્બરના રોજ એવી માહિતી મળી હતી કે તાજ હોટલના તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ બાદમાં એવી માહિતી મળી હતી કે કેટલાક લોકો હજુ પણ આતંકવાદીઓના કબજામાં છે, જેમાં ઘણા વિદેશીઓ પણ સામેલ છે. હુમલા દરમિયાન, બંને હોટલને રેપિડ એક્શન ફોર્ડ (RPF), મરીન કમાન્ડો અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડોએ ઘેરી લીધી હતી. મીડિયાના લાઇવ કવરેજથી આતંકવાદીઓને ઘણી મદદ મળી કારણ કે તેઓ ટીવી પર સુરક્ષા દળોની દરેક ગતિવિધિઓ વિશે જાણતા હતા.
સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી મૂઠભેડ ચાલી હતી. આ દરમિયાન મુંબઈમાં વિસ્ફોટ થયો, આગ ફાટી નીકળી, ગોળીબાર થયો. માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના 1.25 અબજ લોકોની નજર તાજ, ઓબેરોય અને નરીમાન હાઉસ પર હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર