Home /News /mehsana /ભાજપનાં ગઢ એવા મહેસાણાના કાંગરા ખેરવી શકશે કોંગ્રેસ?
ભાજપનાં ગઢ એવા મહેસાણાના કાંગરા ખેરવી શકશે કોંગ્રેસ?
લોકસભાની મહેસાણા બેઠક
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો જુવાળ અને ત્યારબાદ પાટીદાર આંદોલન, ઉનાકાંડ પછીનું દલિત આંદોલન અને ખેડૂતોની નારાજગીએ ભાજપ માટે કપરાં ચઢાણ કર્યા છે.
ન્યૂઝ 18 ગુજરાતી : શું આ વખતે કોંગ્રેસ ભાજપનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર ગાબડું પાડી શકશે ? કોંગ્રેસે પાટીદાર આગેવાન અને નિવૃત અધિકારી એ.જે. પટેલને મેદાને ઉતાર્યા છે તો સામે ભાજપે પૂર્વ ઉધોગ મંત્રી અનિલ પટેલનાં પત્ની શારદાબેન પટેલને મેદાને ઉતાર્યા છે. શારદાબેન પટેલ નાનાબાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. શારદાબેન હાલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એ.જે. પટેલ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિભાગ (ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ)માં 25 વર્ષ સુધી ક્લાસ વન ઓફિસર તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત તરીકે નિવૃત્ત થયા છે.
ગુજરાત સરકારના કંટ્રોલર ઓફ લેગલ મેટ્રોલોજી (Wtgs & Mgs) વિભાગમાં પણ તેઓ હેડ તરીકે ફરજ આપી ચુક્યા છે. એ.જે. પટેલનું વતન ચાણસ્મા તાલુકાનું ચાવેલી ગામ છે. હાલ તેઓ મહેસાણાના રાધનપુર રોડ ખાતે આવેલા તુલસી બંગ્લોઝમાં રહે છે.
મહેસાણા લોકસભા બેઠકમાં 1647470 મતદારો છે જેમાં 853200 પુરુષ મતદારો છે જ્યારે 794234 મહિલા મતદારો છે. મહેસાણા બેઠક ગુજરાતનાં રાજકારણમાં રાજકીય પ્રયોગશાળા ગણાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે પણ આ વખતે સ્થિતિ જરા જુદી છે તેમ સ્થાનિક સમીકરણો પરથી જણાય છે. મહેસાણા પાટીદાન અનામન આંદોલનનું કેન્દ્ર રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનાં જણાવ્યા પ્રમાણે, મહેસાણા રાજકારણમાં હંમેશા ટ્રેન્ડ સેટર રહ્યું છે.
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો જુવાળ અને ત્યારબાદ પાટીદાર આંદોલન, ઉનાકાંડ પછીનું દલિત આંદોલન અને ખેડૂતોની નારાજગીએ ભાજપ માટે કપરાં ચઢાણ કર્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પ્રમાણે મહેસાણા લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં કડી, મહેસાણા, વિસનગર અને વિજાપુર ભાજપ પાસે છે જ્યારે ત્રણ બેઠકો-ઉંઝા, માણસા અને બેચરાજી કોંગ્રેસ પાસે છે. લોકસભા ચૂંટણી પહેલા ઉંઝાંનાં કોંગ્રેસનાં ધારસભ્ય ડો. આશાબેન પટેલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતુ અને હાલ તેઓ ઉંધા વિધાનસભાની પેટા-ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર છે.
શું છે મુખ્ય સમસ્યાઓ ? મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતુ. હવે એ આંદોલન તો સમી ગયું છે પણ આ આંદોલનનાં નેતા હાર્દિક પટેલ વિધિવત્ત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. હાર્દિક પટેલ છે. મહેસાણા બેઠક પર કડવા પટેલોનું વર્ચસ્વ છે. આ બેઠક પર પશુ પાલકોને ડેરીમાંથી મળતા ભાવની નારાજગી, સ્થાનિક સહકારી ક્ષેત્રોનું રાજકારણ વગેરે સ્થાનિક લોકોને મુંઝવી રહ્યું છે. શિક્ષિત યુવાનને યોગ્ય નોકરીનો પ્રશ્ન સતાવી રહ્યો છે.
જાતિગત સમીકરણો: આ બેઠક પર મુખ્યત્વે પાટીદારો (402870 મતો), ક્ષત્રિય (108980 મતો), ઠાકોર (330230 મતો), દલિતો (202670 મતો) અને અન્ય પછાત વર્ગોનાં 1.78 લાખ મતો છે. આ સિવાય અન્ય જ્ઞાતિઓને મતો પણ છે. ઠાકોર અને ક્ષત્રિય મતો બંને પક્ષ માટે નિર્ણાયક મતો બની રહેશે.
વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ : ભાજપે તેના વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ કર્યા નથી. પી.આર.એસ લેજિસ્લેટીવ રિસર્ચ સંસ્થાનાં આંકડાઓ મુજબ, જયશ્રીબેન પટેલે સંસદમાં 98 ટકા હાજરી આપી છે. 132 ડિબેટમાં ભાગ લીધો છે. 397 પ્રશ્નો પુછ્યા છે અને છ પ્રાઇવેટ બીલ રજૂ કર્યા હતા.
કોની વચ્ચે છે જંગ? ભાજપે પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ પટેલનાં પત્નિ શારદાબેન પટેલને ટિકીટ આપી છે અને કોંગ્રેસે એ.જે.પટેલને ટિકીટ આપી છે. બંને પાટીદાર ઉમેદવારો છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ મહેસાણાથી ચૂંટાયેલા છે અને મહેસાણા તેમનો ગઢ ગણાય છે.
2017ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જોઇએ તો મહેસાણા લોકસભા બેઠક હેઠળ આવતી સાત બેઠકોમાંથી ભાજપે કડી બેઠક પર (7746 મતો), વિસનગર (2869 મતો), વીજાપુર (1164 મતો અને મહેસાણા બેઠક 7137 મતોથી જીતી હતી. જ્યારે કોંગ્રેસે ઉંઝા બેઠક (19529), બેચરાજી (15811) અને માણસા બેઠક 524 મતોથી જીતી હતી.
અનુમાન: ભાજપ માટે સલામત ગણાતી આ બેઠકમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ તો રહેશે જ પણ ઉંઝામાં આશાબેન પટેલની ભાજપમાં એન્ટ્રીથી સ્થાનિક ભાજપમાં ઊભી થયેલી નારાજગી લોકસભા બેઠકમાં ભાજપને કેટલી નડે છે તે જોવું રહ્યું. હાર્દિકનો પ્રભાવ કેટલો રહેશે એ પણ પરિણામોમાં નક્કી થશે.