Home /News /mehsana /ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિસનગર બેઠક પક્ષ કોઇ પણ હોય, જંગ હંમેશા પાટીદાર VS પાટીદાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિસનગર બેઠક પક્ષ કોઇ પણ હોય, જંગ હંમેશા પાટીદાર VS પાટીદાર

Gujarat Assembly Election 2022: વિસનગર બેઠક (Visnagar Constituency) એક એવી બેઠક છે કે જ્યાં ચૂંટણીમાં પક્ષ (Political Party) ગમે તે હોય પરંતુ જંગ તો પાટીદાર (Patidar) વચ્ચે જ ખેલાય છે. અહીં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ભાજપ જીતતું આવ્યું છે. પરંતુ અહીંના પાટીદારોની નારાજગી ગમે તેને ભારે પડી શકે એમ છે.

Gujarat Assembly Election 2022: વિસનગર બેઠક (Visnagar Constituency) એક એવી બેઠક છે કે જ્યાં ચૂંટણીમાં પક્ષ (Political Party) ગમે તે હોય પરંતુ જંગ તો પાટીદાર (Patidar) વચ્ચે જ ખેલાય છે. અહીં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ભાજપ જીતતું આવ્યું છે. પરંતુ અહીંના પાટીદારોની નારાજગી ગમે તેને ભારે પડી શકે એમ છે.

વધુ જુઓ ...

વિસનગર :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના પ્લાન સક્રિય કરી દેવાયા છે. જાતિગત સમીકરણોને આધારે તડજોડના ગણિત ગોઠવવાના જોર લગાવાઇ રહ્યું છે. ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર એક મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં મહેસાણા જિલ્લાની વિસનગર (Visnagar Constituency) એક બેઠક એવી છે કે જ્યાં જંગ મોટા ભાગે પાટીદાર વચ્ચે જ ખેલાય છે. તો આવો વિસનગર બેઠકનું ગણિત જાણીએ.


ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election) માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ટોચના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા શરૂ થઈ ચૂક્યા છે. એકબીજા પક્ષમાં ગાબડું પાડવું કે પક્ષના જ ગદ્દારોને સગેવગે કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. મતદાનના દિવસ સુધીમાં ગુજરાતનું રાજકારણ (Gujarat politics) ઘણા ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બને તો નવાઈ નહીં. આ વખતે પણ દર વર્ષની જેમ પાટીદાર ફેક્ટર પર બધાની નજર છે. પાટીદારોનું પ્રભુત્વ હોય તેવી બેઠકો પર રાજકીય પક્ષોની નજર છે. આવી જ એક બેઠક વિસનગર વિધાનસભા બેઠક છે. જ્યાં 30 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.


1995થી વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો કબજો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપના ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેન્દ્રકુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો. 2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જ જીત્યા હતા.


હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાની રાહ જોવાઇ રહી છે ત્યારે અન્ય બેઠકોની જેમ વિસનગર બેઠકનું રાજકારણ પણ સક્રિય બન્યું છે. આમ તો દાયકાઓથી ભાજપ આ બેઠક પર જીતતું આવ્યું છે,


પરંતુ આ વખતે ભાજપને માત્ર કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી સાથે પણ લડવાનું છે. જેથી આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઇને પાટીદાર મતોનું ઘ્રુવીકરણ મુશ્કેલી સર્જી શકે એમ છે.


વિસનગર બેઠકનું ભૌગોલિક મહત્વ


વિસનગર વિધાનસભા બેઠક મહેસાણા જિલ્લાની મહત્વની બેઠક છે. વિસનગર વિધાનસભા બેઠકમાં વિસનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તાલુકામાં બાકરપુર, બસાણા, બેચરપુરા, ભાલક, ભાંડુ, બોકરવાડા, છોગાળા, ચિત્રોડા મોટા, ચિત્રોડીપુરા, દહીયાલ, દેણપ, ધામણકુવા, ધરુસણા, ગણપતપુરા, ઘાંઘરેટ, ગોઠવા, ગુંજા, ગુંજાળા, હસનપુર, ઇયાસરા, જેતલવાસણા, કડા, કાજીઅલિયાસણા, કામલપુર (ગોઠવા), કમલપુર, (ખરવાડા), કમાણા, કાંસા સહિતના 58 જેટલા ગામ આવેલા છે.


મત વિસ્તારના જાતિગત સમીકરણો


અગાઉ જોયું તો આ પંથકમાં પટેલોની વસ્તી વધુ છે. 33 ટકા પટેલ, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસ.સી, 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે આ બેઠક પર પટેલની સાથે ઠાકોર સમાજનો પણ મતદારોનો દબદબો વધારે છે. અલબત્ત, આ બેઠક પર પક્ષ કોઈપણ હોય, પરંતુ આખરી મુકાબલો તો પાટીદાર વર્સીસ પાટીદારનો જ જોવા મળે છે.


વિસનગરનો ભવ્ય ઇતિહાસ


અજમેર રાજવંશના તેના સ્થાપક રાજા વિસલદેવના નામ પરથી વિસનગર નામની સ્થાપના 953માં અખાત્રીજના શુભ દિવસે કરવામાં આવી હતી. રાજા વિસલદેવના રાજ્યની ચોકી તરીકે સ્થાપના કરવામાં આવી હતી, જે વર્તમાન દેલિયા તાલાઓની આસપાસ છે. અગાઉ વિસનગરને કોપર સિટી તરીકે ઓળખવામાં આવતું હતું. ઘણા બધા કામદારો અહીં તાંબામાંથી વાસણો બનાવતા હતા. તેમાં ડોશાભાઈ ગાર્ડન નામે મોટો બગીચો પણ છે.


તાંબા પિત્તળ માટે જાણીતું

મહેસાણા જિલ્લાના મુખ્ય વ્યાપારી કેન્દ્રોમાંનું એક ગણાય છે. વિસનગરની ઓળખ તાંબા-પીત્તળના વાસણોથી થાય છે. તે શૈક્ષણિક નગરી તરીકે પણ જાણીતું છે. ભૂતકાળમાં હીરા ઉદ્યોગ અને સ્પીનીગ મિલ વિસનગરમાં અસ્તિત્વ ધરાવતા હતા. અહીં વાસણો અને કાપડ માટેના બજારો પણ પ્રખ્યાત છે. અંબાજી તીર્થધામમાં મંદિરના મુગટને સોનેથી મઢનાર કારીગરો વિસનગરના છે.


વિસનગર અને પાટીદાર આંદોલન


પાટીદાર અનામત આંદોલનની 2015માં શરૂઆત થઇ હતી. તેનું એપી સેન્ટર વિસનગર હતું. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં, પાટીદાર દ્વારા અનામતની માંગ કરવામાં આવી રહી હતી. 23 જુલાઈ 2015ના રોજ વિસનગરમાં અનામત આંદોલન બાબતે મસમોટું સંમેલન થયું હતું. આ રેલીમાં અસંખ્ય પાટીદારો જોડાયા હતા. રેલીમાં એ સમયના પાસ કન્વીનર હાર્દિક પટેલ, લાલજી પટેલ, એ.કે.પટેલ સહિતના નેતાઓએ આંદોલનને વેગ આપ્યો હતો.


અગાઉની ચૂંટણીઓના પરિણામ


મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સતત જીતતા આવ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે એનસીપી અને કોંગેસના ગઠબંધનના ઉમેદવાર ભોળાભાઈ પટેલને 20.81 ટકા મતની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી.


જયારે વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર બબલદાસ પટેલને 29000 જેટલા મતથી હરાવીને બેઠક જીતી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,644 મત મળ્યા હતા. ઋષિકેશ પટેલની જીત પાતળી સરસાઈથી થઈ હતી. હાલમાં આ બેઠક પર 2017ની સ્થિતિ પ્રમાણે કુલ 2,11,833 જેટલા મતદારો રહ્યા છે. જેમાં 1,01,471 મહિલા અને 1,10,362 ટકા પુરુષ મતદારો છે.



વર્ષધારાસભ્યપાર્ટી
1962રમણીકલાલ ત્રિકમલાલ મણિયારINC
1967એસ બી પટેલINC
1972જગન્નાથ મૂળશંકર વ્યાસINC(Organisation)(NCO)
1975સાંકળચંદ કાલીદાસ પટેલIndependent
1980ગંગારામ ભાઈચંદદાસ પટેલBJP
1985ભોળાભાઈ ચતુરભાઈ પટેલIndependent
1990જનતા દળ
1995કિરીટભાઈ પટેલBJP
1998પ્રહલાદભાઈ પટેલ
2002
2007ઋષિકેશ પટેલ
2012
2017

ઉલ્લેખનીય છે કે, મહેસાણા લોકસભા બેઠક પર વર્ષોથી પાટીદારો મતદારોનો પ્રભુત્વ રહ્યું છે. આ બેઠક પર અત્યાર સુધીના ચુંટણી પરિણામો પર દ્રષ્ટિ નાંખીએ તો 1984 બાદની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર રહેલા મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત સહિત વિજાપુર, મહેસાણા, જોટાણા, વિસનગર સહિત મોટાભાગની તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. જ્ઞાતિવાદી સમીકરણો આ વિસ્તારમાં સત્તાની ઉથલપાથલ બોલાવી શકે છે. જેથી ભાજપ અને કોંગ્રેસ માઈક્રો પ્લાનિંગ કરી રહ્યા છે.


પાટીદાર ફેક્ટર મહત્વનું


પાટીદાર અનામત આંદોલન સહિત અન્ય કારણોસર ઋષિકેશ પટેલ સામે જનતા અમુક સ્તરે નારાજ હોવાની રાવ છે. પાયાના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવું જનતા ઈચ્છે છે. જોકે, ભાજપનું ચૂંટણી પ્લાનિંગ ખૂબ માઈક્રો હોય છે. જેના કારણે ભાજપ જોખમ લઈને પણ તેમને રિપીટ કરી શકે છે. આ ઉપરાંત ભાજપમાં ઋષિકેશ પટેલની બહોળું યોગદાન છે, તેઓ ભાજપમાં વર્ષોથી જવાબદારીઓ લઈ રહ્યા છે.


આ પણ વાંચો: રાજકીય લેબોરેટરીમાં થશે લિટમસ ટેસ્ટ!!

બીજી તરફ આ બેઠક પર કોઈ નવો ચહેરો ભાજપ દ્વારા ઉતારવામાં આવે તો પાટીદાર ઉમેદવાર સિવાય અન્ય જ્ઞાતિના વ્યક્તિ માટે કપરાં ચઢાણ હોય શકે છે. આવી જ રીતે કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવાર સિવાય વિચારી શકે તેમ નથી. આ તમામ બાબતો વચ્ચે અગાઉની ચૂંટણીની જે આ વખતે પણ પાટીદાર ફેક્ટર આ બેઠક પર અગત્યનું સાબિત થઇ શકે છે.


ઋષિકેશ પટેલ કોણ છે?


ઋષિકેશ પટેલનો જન્મ સુંઢીયા ગામે થયેલો. ઋષિકેશ પટેલ બિલ્ડર અને સિવિલ એન્જીનયર છે. તેઓ બિલ્ડર લોબીમાં જાણીતું નામ છે. ઋષિકેશ પટેલે ઠેકઠેકાણે બિલ્ડીંગો, શોપિંગ સેન્ટરો અને દુકાનો જેવા બાંધકામો કરી પોતાના વ્યવસાયમાં ખૂબ સારી પ્રસિદ્ધિ હાંસલ કરી છે. ઋષિકેશ પટેલની રાજકીય સફર ભાજપ સાથે શરૂ થઈ હતી.


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો

નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતાં ત્યારે ઋષિકેશ પટેલને વર્ષ 2002માં ભાજપ તરફથી નવા ચહેરા તરીકે મેદાને ઉતારવામાં આવ્યા હતાં. ત્યારથી તેઓ સફળતાની એક પછી એક સીડી ચઢી રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને મંત્રી મંડળમાં સમાવાયા છે અને આરોગ્ય જેવો મહત્વનો વિભાગ સોંપવામાં આવ્યો છે. આ જોતાં આગામી ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની રહી શકે એ સમજી શકાય એવું છે.

First published:

Tags: Assembly Election 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Visnagar