મહેસાણા : દૂધ સાગર ડેરીમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણી પહેલાં જ સાગર દાણ કૌભાંડના મામલે સહકાર આગેવાન અને પૂર્વ ગૃહમંત્રી વિપૂલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીના કર્મચારીઓના પગાર અને બોનસ બાબતે થયેલી કરોડોની ઉચાપત કેસમાં CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અને ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આરોપી હતા. જે કેસમાં CID ક્રાઈમે તેમની શનિવારે મોડીરાત્રે ધરપકડ કરી છે. આ મામલે ગત રાત્રે ગાંધીનગરમાં તેમની અટકાયત કરવામાં આવી હતી જ્યારે આજે બપોરે સીઆઈડી ક્રાઇમ દ્વારા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર નાટકીય ઘટનાક્રમ બાદ વિપુલ ચૌધરીનું એક લેખિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, આ કોઇ સાગરદાણનું કૌભાંડ નથી. આ કેસ રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે.
આ કેસમાં CID ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. મહેસાણા ડેરીમાં બોર્ડ ડિરેક્ટર્સની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ચૌધરીની ધરપકડના મામલે માહોલ ગરમાયો છે. મહેસાણામાં તેમના સમર્થકો એકઠા થઈ રહ્યા છે અને તેમનામાં રોષની લાગણી જોવા મળી રહી છે.
'આ મામલે કોઈ કૌભાંડ નથી, મેં11.25 કરોડ જમા કરાવ્યા છે'
દરમિયાન વિપૂલ ચૌધરી દ્વારા આ ધરપકડ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં જે સાગર દાણ મોકલવામાં આવ્યું છે તેમાં કોઈ કૌભાંડ નથી. આ કેસમાં રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મનાઈ હુકમની શરત મુજબ 9 કરોડ જમીનનું બનાખત કરીને મેં ભર્યા છે. કુલ આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે. 9 કરોડ ભરવા પૈસા ઉછીના લેવા પડ્યા હતા. આ રૂપિયા પરત કરવા જમીનનું બાનાખત કરવું પડ્યું છે.
કોણ છે વિપુલ ચૌધરી?
વર્ષ 1995માં ભાજપની કેશુભાઈની સરકાર સામે બળવા બાદ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં વિપુલ ચૌધરી ગૃહ પ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. જોકે બાદમાં શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઊભા થતાં તેમનો સાથ છોડી દીધો હતો અને ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા.