કેટલીએ વખત સરકારી અધિકારીઓની મીટિંગ, નેતાઓની સભા, વિધાનસભા, લોકસભામાં મહત્વની ચર્ચા દરમ્યાન નેતા-અધિકારીઓ રીત સર ઊંઘતા કેમેરામાં કેદ થતા હોય છે. આવી જ ફરી એક ઘટના સામે આવી છે. એકબાજુ સીએમ વિજય રૂપાણીની સ્પીચ ચાલતી હતી, ત્યારે ભાજપના જ ધારાસભ્ય બેઠા-બેઠા મસ્ત મીઠી ઊંઘ લઈ રહ્યા હતા.
મહેસાણામાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં નેતાજી ઊંઘતા જોવા મળ્યા છે. એક બાજુ મુખ્ય પ્રધાનની સ્પીચ ચાલતી હતી, તો બીજી બાજુ સ્ટેજ પર બિરાજમાન થયેલા ખેરાલુના ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભી ઘસઘસાટ ઉંઘતા જોવા મળ્યા. તમે વીડિયોમાં જોઈ શકશો કે, ગળામાં ભાજપનો ખેસ ધારણ કરી સ્ટેજ પર તો તેઓ બિરાજ્યા છે. પરંતુ સાહેબ મીઠી નિંદરમાં એટલા ગરકાવ થઇ ગયા કે ભૂલી ગયા કે તેઓ જાહેર કાર્યક્રમમાં જનતાની વચ્ચે બેઠા છે.
જે સ્ટેજ પર બેઠા છે ત્યાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્ય સરકારની વહીવટી કુશળતાના ગુણગાન ગાઇ રહ્યાં છે. ભરતસિંહ ડાભી કે જેઓ ભાજપના ધારાસભ્ય ઉપરાંત દંડક પણ છે. તેમણે જાણે સ્નેહ મિલન કાર્યક્રમ સાથે કોઇજ લેવા દેવા ના હોય તેમ ગાઢ નિંદ્રા લેવા લાગ્યા, અને કેમેરામાં થઈ ગયા કેદ.
તેમને જેવી ખબર પડી કે સ્ટેજ પર આમંત્રિત નેતાઓ અને મહેમાનો કોઇક બાબત પર તાળીઓ પાડી રહ્યાં છે, તો અચાનકજ ઝબકી જઇને તાળીઓ પાડવા લાગ્યા. ખેર નેતાજી છે તેમને કોણ કહી શકે કે સાહેબ ઊંઘવાના કાર્યક્રમમાં નથી આવ્યા, પણ સ્નેહ મિલન કાર્યક્રમમાં આવ્યા છો. સાહેબ જો આમજ સ્ટેજ પર ઉંઘી જવું હતું તો ઘેર રહેવું હતું. જો કે ઉંઘને કોઇ રોકી શકતું નથી, સામાન્ય માણસ હોય કે નેતા.