દેલા ગામ ની પ્રાથમિક શાળા જ્યાં શહેર માંથી વિધાર્થી ભણવા આવે.
મહેસાણાથી ચાર કિ.મી દુર દેલા ગામમાં અનુપમ પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં મહેસાણા અને અન્ય ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે. અહીં ગામના 181 બાળકો છે,જ્યારે બહારથી 225 બાળકો આવે છે. અહીં તમામ મહિલા શિક્ષક છે.
Rinku Thakor, Mehsana: સામાન્ય રીતે ગામડામાંથી બાળકો શિક્ષણ માટે શહેરની શાળામાં જતા હોય છે. પરંતુ મહેસાણામાં ઉલટી જ ગંગા વહી રહી છે. અહીં શહેર માંથી બાળકો ગામડાની શાળામાં શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે. મહેસાણાથી ચાર કિ મી દૂર આવેલ દેલા ગામમાં અનુપમ પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં દેલા ગામના 181 બાળકો છે. પરંતુ મહેસાણા અને અન્ય ગામના 225 બાળકો શિક્ષણ માટે અહીં આવે છે. શાળામાં કુલ 386 બાળકો છે અને 11 શિક્ષકો છે.
અનુપમ પ્રાથમિક શાળામાં તમામ મહિલા શિક્ષક
દેલા ગામની અનુપમ શાળાની બીજી વિશેષતા એ છે કે, અહીં 11 શિક્ષકો છે. આ તમામ શિક્ષક મહિલા છે. તમામ મહિલા શિક્ષક પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરી રહ્યાં છે. શાળામાં દેલા ગામ અને મહેસાણાથી બાળકો અભ્યાસ માટે આવે છે. સવારમાં એક સાથે 386 બાળકો સંગીતના સૂરે પ્રાર્થના ગાય ત્યારે અનોખુ જ વાતાવરણ બને છે.
શાળાના બાળકોની શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા માટે દર શનિવારે એકમ કસોટી લેવામાં આવે છે. શાળામાં ડિજિટલ વર્ગખંડની વ્યવસ્થા છે. અહીં બાળકોને ડિજિટલ શિક્ષણ અપાય છે. તેમજ દેલા પ્રાથમિક શાળા પ્રથમ 100 દિવસમાં જ સ્કૂલ ઓફ એક્સેલેન્સમાં પસંદગી પામી છે. જે સરાહનીય વાત છે.
બાળકો કડકડાટ અંગ્રેજી બોલે છે
શાળાની ગુણવત્તા સંદર્ભે શિક્ષણ મેનેજમેન્ટ કમિટી પણ મદદરૂપ રહે છે. કોઈ પણ અહીં મુલાકાત લે ત્યારે શિક્ષકોની નિષ્ઠા તેમજ બાળકોના જ્ઞાન અને સંસ્કાર જોઈ પ્રભાવિત થઈ જાય છે. આ પ્રાથમિક શાળાના બાળકો કડકડાટ અંગ્રેજી બોલી શકે છે. અને અહીનાં વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિમાં જોડાવા માટે વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રાથનામાં પણ દરેક વિદ્યાર્થી ખૂબ આતુરતાપૂર્વક ભાગ લે છે.
શાળાના આચાર્ય ગીતાબેન ચૌધરી અને સમગ્ર સ્ટાફ દેલા કે આસપાસના કોઈ છાત્રો અભ્યાસ માટે શહેરમા ન જાય તે માટે પ્રયત્નશીલ રહે છે . આ બાળકોને ગામમાંથી અવારનવાર તિથિ ભોજન પણ મળતું રહે છે. સરપંચ કિરણભાઈ ચૌધરી પણ શાળાના વિકાસ માટે પ્રયત્નશીલ છે. તેમજ ગામના લોકો પણ શાળાને અને શિક્ષકગણને સાથ સહકાર આપે છે.