કેતન પટેલ, મહેસાણા: મહેસાણા SOG પોલીસે 325 લોકોને કેનેડા (Canada) મોકલવાની લાલચ આપીને રૂ.6.50 કરોડની છેતરપિંડી (Cheating) કરનાર ઠગને પકડી પાડ્યો છે. આ મામલે બંટી-બબલી વિરુદ્ધ મહેસાણા શહેર બી ડિવિઝન (Mahesana B division police) ખાતે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. આ બંટી-બબલીએ લોકોને કેનેડામાં વર્ક પરમીટ પર વિઝા (Canda work visa) આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, તમામ લોકોને બનાવતી ડોક્યુમેટના મેઈલ પણ કર્યા હતા. જોકે, બાદમાં પતિ-પત્નીની પોલ ખુલતા મહેસાણા શહેર બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ડિસેમ્બર-2020માં નોંધાયેલી એક ફરિયાદ મુજબ મૂળ સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારના પતિ-પત્નીએ કેનેડા વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપીને 325 વ્યક્તિઓ સાથે રૂ.6.50 કરોડની છેતરપિંડી કરી હતી. જેના મુખ્ય આરોપી સંદીપ જીતેન્દ્ર કાપડિયાને મહેસાણા એસ.ઓ.જી પોલીસે દબોચી લીધો છે. નોંધાયેલી ફરિયાદ પર નજર નાખીએ તો સંદીપ કાપડિયા અને તેની પત્ની અવની કાપડિયાએ ફરિયાદીને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાના હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાનું કાવતરૂ રચી પોતાની ફર્મ “સ્પેક્ટ્રાઇમીગ્રેશન એન્ડ ઇન્ટરનેશનલટુર્સ” દ્રારા ફરિયાદીના સંપર્કવાળા વ્યક્તિઓને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાનો ખોટો ભરોસો આપ્યો હતો.
જૂન-2018થી જાન્યુઆરી-2020 સુધીમાં 325 ગ્રાહકોના વિઝા તેમજ વર્ક પરમીટ મેળવવાની ફીના એડવાન્સ પેટે રૂ. 6,50,00,00 લઇ ગ્રાહકોના કેનેડાની કોઇપણ કંપનીએ ઓનલાઇન ઇન્ટરવ્યૂ લીધે ન હોવા છતાં તેઓના નોકરીના બનાવટી LMIA (Labour Market Impact Assessment) અને HRSDC (Human Resources and Skills Development Canada) લેટર મોકલી દીધા હતા. આ લેટર બનાવટી હોવાનું જાણવા છતાં ફરિયાદીને ઇ-મેઇલ ઉપર મોકલી આપી તેના આધારે ગ્રાહકોના U.C.I NO (unique client identifier), વિઝા કન્ફરમેશન પત્ર, મેડીકલ તથા પી.સી.સી. તથા પાસપોર્ટ સબમીશન લેટર તથા e-TA વિઝા જેવા દસ્તાવેજો મોકલી આપ્યા હતા.
આ મામલે ફરિયાદી કેતન દેસાઈએ આરોપી સંદીપ કાપડીયાને પોતાના ગ્રાહકોની ફાઇલો કેન્સલ કરી ફી-પેટે એડવાન્સ ભરેલા નાણા પરત માગ્યા હતા. જોકે, આરોપી સંદીપ કાપડિયાએ રૂ. 41,46,428 પરત કરવા બાબતે તા.30/01/2020 નો કેનેડિયન એમ્બેસીનો પણ બનાવટી રિફન્ડ કન્ફર્મેશન લેટર મોકલી આપી ફરીથી છેતરપિંડી કરી હતી. જે બાદમાં ફરિયાદીએ પોતાના ગ્રાહકોને વર્ક પરમીટ વિઝા પર કેનેડા મોકલવા માટે આપેલી એડવાન્સ રકમ આરોપીએ અંગત કામ માટે વાપરી નાખી હતી. આ રીતે બંટી-બબલીએ ફરિયાદી તથા ફરિયાદીના ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેનોમુખ્ય આરોપી સંદીપ કાપડિયા ગોવાથી ઝડપાયો છે.