Home /News /mehsana /મહેસાણાના સાલડી ગામે આવેલા પીંપળેશ્વર મહાદેવના મંદિરનું નવનિર્માણ, વિદેશથી કરોડો રૂપિયા દાન આવ્યું
મહેસાણાના સાલડી ગામે આવેલા પીંપળેશ્વર મહાદેવના મંદિરનું નવનિર્માણ, વિદેશથી કરોડો રૂપિયા દાન આવ્યું
પીંપળેશ્વર મહાદેવના શિવાલયની તસવીર
Mehsana News: લાંઘણજ પાસે સાલડી ગામના ઐતિહાસિક અને ચમત્કારી સ્વયંભૂ પ્રગટ પીંપળેશ્વર મહાદેવ મંદિરને કરોડો રુપિયાના ખર્ચે નવનિર્મિત કરવામાં આવ્યું છે. ભવ્ય અને દિવ્ય સ્વયંભૂ પીંપળેશ્વર મહાદેવ મંદિરે 1 ફેબ્રુઆરી 2023થી 05 ફેબ્રુઆરી 2023 સુધી ભવ્યાતિભવ્ય શતકુંડીય હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે.
મહેસાણાઃ જિલ્લાના લાંઘણજ પાસે સાલડી ગામના ઐતિહાસિક અને ચમત્કારી સ્વયંભૂ પ્રગટ પીંપળેશ્વર મહાદેવ મંદિરને કરોડો રુપિયાના ખર્ચે નવનિર્મિત કરવામાં આવ્યું છે. ભવ્ય અને દિવ્ય સ્વયંભૂ પીંપળેશ્વર મહાદેવ મંદિરે 1 ફેબ્રુઆરી 2023થી 05 ફેબ્રુઆરી 2023 સુધી ભવ્યાતિભવ્ય શતકુંડીય હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ તથા પીંપળેશ્વર મહાદેવ પરિવાર દેવતાઓ, ઉમિયા માતાજી અને જગતજનની મા અંબાજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે. ગુજરાતના તિર્થસ્થાન સમાન સ્વયંભૂ પ્રગટ પીંપળેશ્વર મહાદેવ મંદિર ભવ્ય-દિવ્ય બન્યું છે, જે લાખો શ્રધ્ધાળુઓના આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે.
લાંઘણજ ગામના વતની અને મુંબઈમાં વસતા સ્વ. પુરષોત્તમદાસ જેંગદાસ પટેલ પરિવાર દ્વારા પીંપળેશ્વર દાદાનું ભવ્યાતિભવ્ય મંદિરનુ નિર્માણ માટે કરવામાં આવ્યું છે. સ્વ.પુરષોત્તમદાસ પટેલ પરિવાર મુખ્ય શિવાલયના દાતા છે. પીંપળેશ્વર મંદિરે 1 ફેબ્રુઆરીથી પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે. જે અંતર્ગત પાંચ દિવસ સુધી શતકુંડીય હોમાત્મક અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. ભવ્યાતિભવ્ય મહોત્સવ અંતર્ગત ભવ્ય ડાયરાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં શ્રધ્ધાળુ ભાઈ-બહેનો દ્વારા વિવિધ ઉજાણી કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ સવારે સવા આઠ વાગે મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવશે. રાત્રે ભવ્ય ગરબાનો કાર્યક્રમ યોજાશે. આજ રીતે પાંચ દિવસ સુધી મહાયજ્ઞ અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ભવ્યાતિભવ્ય મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ પધારશે. તેમને ચા-નાસ્તો તથા જમવા-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીએ સવારે સાલડી ગામેથી પીંપળેશ્વર દાદાની જલયાત્રા દાદાની પાલખી સાથે નિકળશે. 3 ફેબ્રુઆરીએ સવારે 07-00 વાગે લાંઘણજ ગામના મા મહાકાળી માતાજીના મંદિર પરથી દાદાની પાલખી સાથેની જળયાત્રા નિકળશે. આ જળયાત્રા સાલડી ગામમાં થઈ પીંપળેશ્વર મંદિર પહોંચશે. પાંચ દિવસ વૈદિક મંત્રોચ્ચાર સાથે અતિરુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. પાંચમા અને અંતિમ દિવસે બપોરે 12-39 મિનિટે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
શિખર સહિત ધજા દંડ સોનાથી મઢાવ્યાં
ઐતિહાસિક અને ચમત્કારી પીંપળેશ્વર મહાદેવ મંદિરમાં પીંપળેશ્વર મહાદેવ પરિવાર, મા ઉમિયા માતાજી, જગતજનની મા અંબાજીની દિવ્ય અને અલૌકિક મૂર્તિની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવશે. આ ઉપરાંત 77 લાખ રુપિયાના ખર્ચે નાગદાદાનું મંદિર નવનિર્મિત કરવામાં આવશે. મંદિર પર સાડા ચાર કિલો સોનાથી શિખર અને ધજા દંડ મઢવામાં આવ્યા છે. સુવર્ણ શિખર અને ધજા દંડ દૈદિપ્યમાન લાગી રહ્યું છે. લાંઘણજ ગામ, સાલડી ગામ સહિતના આજુબાજુના 40 કરતાં વધારે ગામોના યુવાનો, ભાઈ બહેનોમાં ઉત્સાહ છવાયો છે. હજારો ભાઈ-બહેનો મહોત્સવને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ભવ્યાતિભવ્ય મહોત્સવમાં દેશભરના વિવિધ સ્થળોએથી લાખો શ્રદ્ધાળુ ભક્તો પીંપળેશ્વર દાદાના દર્શન કરવા પધારશે.
પીંપળેશ્વર મહાદેવનું શિવાલય આસપાસના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.
વિદેશથી લોકોએ દાન કર્યુ
અતિરુદ્ર મહાયજ્ઞમાં રુપિયા ત્રણ લાખ કરતાં વધારેની રકમની ઉછમણી લેનાર પરિવારોને યજ્ઞમાં બેસવાનો લહાવો પણ મળશે. આ મંદિરના નવનિર્માણ માટે અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિતના દેશોમાં વસતા શ્રદ્ધાળુ ભક્તોએ ઉછમણીમાં ભાગ લઈ દાનની સરવાણી વહાવી હતી. રાજસ્થાનના કુશળ કારીગરો દ્વારા નયનરમ્ય અને કલાત્મક કોતરણી કરવામાં આવી છે. ભવ્ય અને દિવ્ય શિવમંદિર મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક તિર્થસ્થાન બન્યું છે. દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા પધારશે. ભવ્યાતિભવ્ય મહોત્સવમાં યજ્ઞ દર્શન અને દેવાધિદેવ પ્રભુ શિવજીના ચરણોમાં શિશ ઝૂકાવી આશિર્વાદ મેળવવા માટે દરેક શ્રદ્ધાળુઓને પધારવા માટે પીંપળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.