Mehsana Crime: આ હત્યા પાછળનું કારણ સામે આવ્યુ છે. નવદીપ ફ્લેટમાં રહેતા રોનક અને હર્ષ વચ્ચે મિત્રતા હતી, જેથી હર્ષે રોનક પાસેથી ગઇકાલે 2000 રૂપિયા માંગ્યા હતા પરંતુ રોનક પાસે પૈસા ન હોવાથી તેણે ના પાડતા બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો, જે બાદ આવેશમાં આવી હર્ષ વાંદરી પાનું લઇ રોનકના ઘરે પહોંચી ગયો હતો
મહેસાણા શહેરમાં (Mahesana) દિવસેને દિવસે ક્રાઇમની (Crime news) ઘટનામાં વધારો થઇ રહ્યો છે. શહેરની મોઢેરા ચોકડી નજીક આવેલા નવદીપ ફ્લેટમાં રહેતા શિક્ષિકા પર પાડોશી યુવકે હુમલો કરીને મોતને (woman murder) ઘાટ ઉતાર્યા હતા. આ હત્યા પાછળનું કારણ સામે આવ્યુ છે. નવદીપ ફ્લેટમાં રહેતા રોનક અને હર્ષ વચ્ચે મિત્રતા હતી, જેથી હર્ષે રોનક પાસેથી ગઇકાલે 2000 રૂપિયા માંગ્યા હતા પરંતુ રોનક પાસે પૈસા ન હોવાથી તેણે ના પાડતા બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો, જે બાદ આવેશમાં આવી હર્ષ વાંદરી પાનું લઇ રોનકના ઘરે પહોંચી ગયો હતો અને ઘરમાં રહેલા રોનકની માતા કલ્પના બેન જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા તેમની હત્યા કરી નાંખી હતી.
આ દરમિયાન તેમનો યુવાન પુત્ર પણ ઘરે આવતા તેની પર પણ હુમલો કર્યો હતો. મૃતક શિક્ષિકાનો યુવાન પુત્ર હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક પોલીસે યુવાનને દબોચી લીધો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, 45 વર્ષના મૃતક શિક્ષિકા કલ્પનાબેન પ્રકાશભાઇ પટેલ બોદલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં હતા. તેઓ બુધવારે રાતે 8.30 વાગે ઘરે એકલા હતા. તે દરમિયાન પડોશમાં રહેતો હર્ષ અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ તેણે વાંદરી પાનાથી કલ્પનાબેનના માથામાં ઘા માર્યા હતા. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ દરમિયાન મૃતક મહિલાનો 21 વર્ષનો પુત્ર રોનક દૂધ લઈને ઘરે આવ્યો હતો. જેથી પાડોશીએ પુત્રને પણ માથામાં 2થી વધુ ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને બેભાન અવસ્થામાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ હત્યારાને ઝડપી પાડ્યો હતો. જે બાદ હત્યા પાછળનું કારણ સામે આવ્યું હતું.