મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુવાસણા ગામના ખેડૂત ગીરીશભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલા છે તેઓ ગાય આધારિત જીરો બજેટ ખેતી કરે છે. આ વર્ષે મિશ્ર ખેતી કરી વરિયાળી, રજકો,સૂર્યમુખી,અને ઘઉંમાં મબલખ ઉત્પાદન મેળવી સારી કમાણી કરી છે.
Rinku Thakor, Mehsana: રાજ્યમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. હાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી વિવિધ શાકભાજી, અનાજ, બાગાયતી ખેતી, ફળની ખેતી વગેરે કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યા છે. આધુનિક ખેતીમાં ખેડૂત અનોખા પ્રયોગ કરે છે જેમ કે મિશ્ર ફાર્મિગ, મલ્ચિંગ પદ્ધતિથી ખેતી આ પદ્ધતિ થકી ખેડૂતો આવક ડબલ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુવાસણા ગામના ખેડૂત ગીરીશભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલા છે અને ગાય આધારિત જીરો બજેટ ખેતી કરે છે. આ વર્ષે તેઓએ મિશ્ર ખેતી કરી છે જેમાં વરિયાળી, રજકો, સૂર્યમુખી, અને ઘઉંનું વાવેતર કર્યું છે .
7 વિઘા જમીનમાં મિશ્ર ખેતી
ખેડૂત ગીરી પટેલ માત્ર 10 ધોરણ ભણ્યા છે. હાલ તેઓ સંપૂર્ણ પણે ખેતી સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી રોકડિયા પાક વાવી કમાણી કરી રહ્યા છે. 7 વીઘા જમીનમાં તેઓ હાલ મિશ્ર ખેતી કરી રહ્યા છે. 3 વીઘામાં ઘઉંની વચ્ચે સૂર્યમુખીની સાથે સાથે વરિયાળી અને રજકાનું વાવેતર કર્યું છે. રવિ સીઝનમાં તેઓએ 100 મણ ઘઉંનું ઉત્પાદન મેળવ્યું છે.
ખેતી વચ્ચે વાવેલા સૂર્યમુખીના બીજ પણ 1000 રૂપિયા મણ વેચાયા છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે રજકાની કરેલી ખેતીથી આ વર્ષે 10થી 15 મણ જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે.
ગઈ સીઝન માં કર્યું હતું હજારી ગલ ફૂલ નું વાવેતર
વરિયાળીની સીઝન પહેલા તેમને પીળા હજારીગલનું વાવેતર કર્યું હતું જેમાં અંદાજે 50,000 નાં હજારીગલ વેચ્યા હતા અને સારી કમાણી કરી હતી.
ખેતીમાં એપિકલ્ચરનો પ્રયોગ
ગીરીશભાઈ એ પોતાના વરિયાળીના પાક માટે 3 પેટી મધમાખી લાવી પોતાના ખેતરમાં પોલીનેશન વધે અને પાકની ઉત્પાદન ગુણવત્તામાં વધારો થાય એ માટે મધમાખી ઉછેર કરવાનું શરુ કર્યું છે.