Home /News /mehsana /PMની મુલાકાત પહેલા ઝળહળી ઉઠ્યું મોઢેરા મંદિર, નિહાળો હેરિટેજ લાઇટિંગ્સનો નજારો

PMની મુલાકાત પહેલા ઝળહળી ઉઠ્યું મોઢેરા મંદિર, નિહાળો હેરિટેજ લાઇટિંગ્સનો નજારો

આ 3D પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વાર ચલાવવામાં આવશે.

Modhera Temple solar powered heritage lightings: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરમાં 3-ડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પણ આ સૌર ઉર્જામાંથી જ થશે. મોઢેરા મંદિરના પાર્કિંગમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે.

મોઢેરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન વિશ્વ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરના પરિસરમાં સૌર ઊર્જા સંચાલિત હેરિટેજ લાઇટિંગ્સ અને 3D પ્રોજેક્શનનો શુભારંભ કરાવશે. મોઢેરાના ઈતિહાસને ઉજાગર કરી પ્રવાસીઓને માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ 3D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3D પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વાર ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેરિટેજ લાઈટીંગને નિહાળવા લોકો સાંજે 6.00થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે.

ત્રણ ગામોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી રહી છે

પીએમ મોદીનો વતન જિલ્લો મહેસાણા ઈતિહાસના પાના પર નામ નોંધાવવા જઈ રહ્યો છે. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. મહેસાણાના મોઢેરા પાસે બનેલા સોલાર પ્લાન્ટમાંથી આજુબાજુના ત્રણ ગામોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી રહી છે. કેટલાક સમયથી તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું પરંતુ હવે સમગ્ર પ્રોજેક્ટ તૈયાર છે. સુજાનપુરામાં 12 હેક્ટર જમીનમાં આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. સુજાનપુરામાંથી સૌર ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળી ડીસી કરંટ છે, જે એસી કરંટમાં રૂપાંતરિત થાય છે અને ત્યાર બાદ આ વિજળીનો સંગ્રહ કરીને ગ્રીડમાં મોકલવામાં આવે છે.



આ ગ્રીડ મોઢેરા ગામના દરેક ઘરને વીજળી પહોંચાડે છે. એટલું જ નહીં, મોઢેરાના તમામ રહેણાંક, કોમર્શિયલ મકાનો, બિલ્ડીંગો પર પણ સોલાર પેનલ લગાવવામાં આવી છે. હવે દરેક ઘર સૌર ઉર્જાથી પણ વીજળી ઉત્પન્ન કરે છે. જેને ગ્રીડ સ્ટેશન પર મોકલવામાં આવે છે. માત્ર મોઢેરા જ નહીં પરંતુ સુજાનપુર અને સમલાનાપરાના 1383 ઘરને સૌર ઉર્જા દ્વારા વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે આ ઘરોમાં વીજળીના બિલ નહિવત આવવા લાગ્યા છે. અહીં જે લોકો વધુ વીજળી વાપરે છે તેમને પણ લગભગ 50 ટકા ફાયદો થવા લાગ્યો છે. માત્ર મોઢેરામાં જ નહીં પણ સુજાનપુરામાં પણ મોટાભાગના ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, અહીંના લોકો પણ સોલારથી થતાં ફાયદા ગણાવતા થાકતા નથી.

આ પણ વાંચો: રવિવારથી પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

આ પ્રોજેક્ટમાં શું ખાસ છે?

- વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરમાં 3-ડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પણ આ સૌર ઉર્જામાંથી જ થશે.
- મોઢેરા મંદિરના પાર્કિંગમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. સૌર આધારિત અલ્ટ્રા-મોર્ડન ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનની સુવિધા ધરાવતું આ પહેલું આધુનિક ગામ છે.
- કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્તરુપે બે તબક્કામાં ₹80.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
- મોઢેરાના તમામ 1300 ઘર જે સૌર ઉર્જાથી ચાલે છે, દરેકમાં એક કિલોવોટની ક્ષમતા સાથે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત છે.
- આ સૌર પેનલ દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે.
- સાંજે BESS એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે.
- આ પ્રોજેક્ટના માધ્યમથી મોઢેરા પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન કરતું ભારતનું પ્રથમ ગામ બન્યું છે.
- ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWh સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
First published:

Tags: Gujarat News, Narendra modi gujarat visit, PM Modi પીએમ મોદી