કેતન પટેલ, મહેસાણા : કોરોના વાયરસની બીજી લહેર શાંત પડતાં જ ફરી રાજકીય મેળવડાઓની સિઝન પૂરજોશમાં ખીલી ઉઠી છે. નેતાઓ અને મંત્રીઓનાં કાર્યક્રમોનાં ધમધમાટ જોવા મળી રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાજ્યના મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં નીતિન પટેલે ચીન અને કોરોનાવાયરસ વિશે એક એવું નિવેદન આપી દીધું કે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ ગયો. લોકોને કોરોના સામે જાગૃત રહેવાની અપીલ નીતિન પટેલે ખાસ ચીનને આડે હાથે લેતા કરી હતી.
હકિતતમાં કોરોનાવાયરસ ચીનથી ફેલાયો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આજે કોરોનાના બે વર્ષ જેવા સમયમાં સમગ્ર વિશ્વ સહિત ગુજરાત અને મહેસાણા જિલ્લાએ ઘણી ખુંવારી વેઠી છે. આ સ્થિતિમાં વિસનગર આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જનતાને માસ્ક પહેરવા અને સાચવવા માટે અપીલ કરી હતી. તેમણે ટકોર કરતાં કહ્યું હતું કે આનો વિશ્વાસ થાય એવો નથી.
જોકે, નીતિન પટેલે આ મામલે ચીનને આડે હાથે લીધું. તેમણે હળવા સ્વરમાં કહ્યું કે ' આ કોરોના ચીના જેવો છે, ચીના કોરોના જેવો છે. ગમે ત્યારે ગમે તે થાય માટે બધા પાકા રહેજો. મજબૂત રહેજો. માસ્ક પહેરજો, પહેરાવડાવજો, સરકારની સૂચનાનું પાલન રાખજો. એક જ મોટામાં મોટું હથિયાર છે એ વેક્સિન લેવાનું ચૂકતા નહીં.
દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,506 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 895 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,07,52,950 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 37,60,32,586 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 37 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.