Navratri 2022 : મલ્હાર ઠાકર મહેસાણામાં નવરાત્રીના રંગે રંગાયો હતો. શંકુઝ વોટર પાર્ક ખાતે ગરબા આયોજનમાં ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરે હાજરી આપી હતી. અભિનેતાની ઝલક જોવા લાખોની જનમેદની ઉમટી હતી.
મહેસાણા : કોરાના મહામારી બાદ ગુજરાતવાસીઓમાં નવલા નોરતાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. તેવામાં ફિલ્મી સ્ટાર્સ પણ નવરાત્રીમાં ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમવાની એકપણ તક જતી નથી કરતા. મહેસાણામાં શંકુઝ વોટર પાર્ક ખાતે આયોજિત ગરબામાં ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરે હાજરી આપીને મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
રાજ્યભરમાં નવલા નોરતાનો જોમ છવાયો છે ત્યારે છઠ્ઠા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે મહેસાણામાં શંકુઝ વોટર પાર્ક ખાતે આયોજિત ગરબામાં જાણીતા ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરે હાજરી આપી હતી. મલ્હાર ઠાકર પણ મહેસાણામાં નવરાત્રીના રંગે રંગાયો હતો. મલ્હારની એક ઝલક મેળવવા માટે લાખોની જન મેદની ઉમટી પડી હતી. લોકોએ મલ્હારની ઝલક પોતાના કેમેરામાં પણ કેદ કરી લીધી હતી. ગરબા ગ્રાઉન્ડમાં તેને જોવા માટે લોકો વચ્ચે રીતસરની પડાપડી થઇ હતી. અભિનેતાના ચાર્મે લોકોને કાયલ બનાવી દીધા હતા.
ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર 'મજા મા' ફિલ્મમાં પણ નાનકડા રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલીવુડની ધક ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિતની ગુજરાતી પૃષ્ઠભૂમિ પરની ગુજરાતી-હિન્દી ફિલ્મ મજા મા માં લોકોને હસાવવા આવી રહી છે. આ ફિલ્મ 6 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફેમિલી ડ્રામા ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. ફિલ્મમાં માધુરી ઉપરાંત બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચઢ્ઢા, મલ્હાર ઠાકર અને નિનાદ કામત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.