કેતન પટેલ, મહેસાણા : રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Elections) પહેલાં ગરમાવો આવ્યો છે. ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ (Naresh Patel) આજે ઉમિયા ધામની (Umiyadham) મુલાકાતે ગયા છે ત્યારે આ મુલાકાત બાદ તેમણે એક મોટું નિવેદન (Naresh Patel statement) આપ્યું છે. આ નિવેદનની આગામી સમયમાં રાજકીય અને સામાજિક બંને રીતે અસર જોવા મળે તો પણ નવાઈ નહીં. તેમણે કહ્યું છે કે 'રાજકીય રીતે અને સામાજિક રીતે પાટીદાર સમાજની નોંધ નથી લેવાતી'
નરેશ પટેલે ઉમિયાધામમાં કહ્યું કે 'પહેલા તો આ કાર્યક્રમનો કોઈ રાજકીય એજન્ડા નથી આ સામાજિક મુલાકાત છે. આ કાર્યક્રમ અગાઉથી નક્કી થઈ ગયો હતો અને ચૂંટણીની તારીખ હવે સામે આવી છે. બીજી વાત બંને સમાજના યુવાનો રાજકારણમાં આવે અને આવવું જ જોઈએ પરંતુ હાલમાં રાજકારણનો એજન્ડા નથી. સમાજ એક સાથે મળીને કામ કરે અને બંને સંગઠન સાથે કામ કરે તો સંગઠનની શક્તિ વધશે.'
નરેશ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'સબ્જેક્ટિવ વાત નથી પરંતુ અનુભવોના આધારે જોવા મળતું હોય છે કે અનેક વાર રાજકીય અને અધિકારી લેવલ પર પાટીદાર સમાજની નોંધ લેવાતી નથી અને તે લેવાય જરૂરી છે. આ તમામ બાબતો વિચારોને આજે નરેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ખોડલધામ અને નરેશ પટેલ પાવરનું કેન્દ્રબિંદુ સમાન રહ્યા છે. ગત ચૂંટણી પહેલાં પણ નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવે અથવા તો પાવર પ્લેમાં ભાગ લે તેવી વકી હતી. ભાજપ અને કૉંગ્રેસ બંને માટે પાટીદારોના મત ખૂબ મહત્ત્વના છે.
પાટીદાર અનામનત આંદોલન સમાપ્ત થયા બાદ પાટીદાર મુખ્યમંત્રીની કયાસ લગાડવામાં આવી રહ્યા હતા જોકે, વડાપ્રધાન મોદીએ પસંદગીનો કળશ નોન પાટીદાર નેતા પર જ રાખ્યા બાદ ભારતીય જનતા પાર્ટી પર પાટીદાર પ્રદેશ પ્રમુખનું પણ આડકતરૂં દબાણ હતું. જોકે, ભાજપમાં હાલમાં પાટીદાર ઉપમુખ્યમંત્રી અને સંગઠનના હોદ્દેદારો કાર્યરત છે ત્યારે આગામી ચૂંટણીમાં આ મુલાકાતનું શું પરિણામ આવે છે તે તો હવે જોવું જ રહ્યું