ન્યૂઝ18 ગુજરાતી : આપણે માતા-પુત્રનાં પ્રેમની વાતો ઘણી સાંભળી અને જોઇ હશે. મહેસાણામાં માતાનાં પ્રેમનો હચમચાવી નાંખતો એક કિસ્સો સામે આવ્યો છે. મંદિરે દર્શન કરવા ગયેલી માતાને પુત્રનાં મોતનાં સમાચાર મળ્યાં હતાં. જેથી તે એક રિક્ષામાં ઘરે પરત આવતી હતી. રિક્ષા પલટી ખાતા માતાનું પણ મોત નીપજતા પરિવાર પણ જાણે દુખનો પહાડ તુટી પડ્યો હતો. આ મામલે લાઘણજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મહેસાણાના નાગલપુરમાં વૈભવ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન કનૈયાલાલ વાસડીયા શુક્રવારે અમદાવાદના રખિયાલમા માતાજીના દર્શને ગયા હતા. તે દરમિયાન તેમના 40 વર્ષના પુત્ર રમેશના મૃત્યુની જાણ થતા તેઓ તુટી ગયા હતાં. આ સમાચાર મળતાની સાથે લક્ષ્મીબેન રીક્ષામાં ઘરે જવા રવાના થયા હતા. રાત્રી સમયે મુલસણ પાસે એકાએક રીક્ષા મસમોટા ખાડામા પટકાતા પલ્ટાઇ ગઇ હતી. અકસ્માતમાં ઉંધી પડેલ રીક્ષામાંથી બહાર કઢાયેલા 4 મુસાફરોને ઇજા થતા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યા લક્ષ્મીબેન કનૈયાલાલને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.
થોડા દિવલ પહેલા પત્નીનું મોત આંખોની સામે જોતા પતિનું પણ મૃત્યું થયું હતું. સુરતનાં ભીમરાડ ચેકપોસ્ટ નજીક રહેતા ચેતન પંચાલના માતા પુષ્પાબેન (ઉ.વ. 67) અને પિતા પ્રવીણચંદ્ર પંચાલ મહેસાણાથી પુત્રના ઘરે રહેવા આવ્યા હતા. દરમિયાન પુષ્પાબેન ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. દરમિયાન તેમની તબિયત લથડતા પતિ પ્રવીણચંદ્ર પંચાલે પુત્ર ચેતનને ફોન કર્યો હતો. તેમજ 108ને જાણ કરી હતી. જો કે, 108ની ટીમ આવે તે પહેલા જ વૃધ્ધાનું મોત થયું હતું. પત્નીના મોતના આઘાતમાં પ્રવીણચંદ્ર પંચાલનું પણ મોત થયું હતું. પ્રવીણચંદ્ર બ્લડપ્રેશરના દર્દી હતા અને 15 વર્ષ અગાઉ જ બાયપાસ કરાવી હતી.