Rinku Thakor, Mehsana: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા, પાટણ, અમરેલી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના પ્રાચાર્ય તરીકેની બાવીસ વર્ષની સેવાઓ દરમિયાન ડૉ.જી.એન.ચૌધરીએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અનુપમ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે વિઠોડા અનુપમ શાળા તા. ખેરાલુ રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા બની છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા, પાટણ, અમરેલી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના પ્રાચાર્ય તરીકેની બાવીસ વર્ષની સેવાઓ દરમિયાન ડૉ. જી.એન. ચૌધરીએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અનુપમ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકેલ હતો.જેમાં ઉપરોક્ત પાંચ જિલ્લામાંથી અગિયારસો જેટલી શાળાઓ અનુપમ શાળા તરીકે જોડાયેલ હતી.
જેમાંથી ચારસો જેટલી શાળાઓ અનુપમ શાળાના norms સિધ્ધ કરીને અનુપમ શાળા તરીકે જાહેર થયેલ. ડૉ.જી.એન.ચૌધરી સેવા નિવૃત્ત થતાં આલોક એજ્યુ કેશન, મહેસાણાના માધ્યમથી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા સુધારણા માટે અનુપમ શાળા પ્રોજેક્ટની કામગીરી ચાલુ રાખેલ છે.
જે શાળાઓ અનુપમ શાળાઓ તરીકે જાહેર નહોતી થઈ તેવી શાળાઓને અનુપમ બનાવવા માટે અને અનુપમ બનેલ શાળાઓને તીર્થ અનુપમ શાળા બનાવવા માટેના પ્રોજેક્ટમાં સ્વેચ્છાએ 105 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ જોડાયેલી છે. આવી શાળાઓને શંકુઝ વોટરપાર્ક ખાતે તાલીમ આપવામાં આવેલ. આ શાળાઓને વર્ષ દરમિયાન ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવેલ. આવી અનુપમ શાળાઓએ કેટલી સિધ્ધિ પ્રાપ્ત કરી છે તેના મૂલ્યાંકનની કામગીરી હાલ ચાલી રહી છે.
રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા
તા.22.02.2022 ના રોજ આલોક એજ્યુકેશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ પ્રાચાર્ય ડૉ.જી.એન.ચૌધરી અને મીઠા અનુપમ પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક શ્રી કુંવરબેન ચૌધરી દ્વારા ખેરાલુ તાલુકાની વિઠોડા અનુપમ પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં શાળાએ અનુપમ શાળાના તમામ ધોરણો સિધ્ધ કરીને રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા તરીકેનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. આગામી સમયમાં આવી શાળાઓનું શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં સન્માન કરવામાં આવશે.
વિઠોડા તીર્થ અનુપમ શાળાની પ્રગતિ ગણો કે શાળા પરિવારની તપશ્ચર્યા ગણો તેની ટુંકી વિગતો જે મારી સમજમાં અને ધ્યાન ઉપર આવી છે તે અત્રે રજૂ કરી છે. જે આપ સૌ મિત્રોને વાંચવી જરૂર ગમશે.
શાળાને શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અને ગામલોકોના સહયોગથી બે કરોડ જેટલો લોક સહયોગ પ્રાપ્ત થયેલ છે, જે રકમમાંથી શાળાનું અદ્યતન મકાન બનાવવામાં આવેલ છે.
શાળાની શૈક્ષણિક સિધ્ધિ માટે રાત્રી વર્ગો અને વીસ વર્ષથી ટ્યુટર શિક્ષકની વ્યવસ્થા
શાળાના બાળકોની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે છેલ્લા છ વર્ષથી પરીક્ષા સમયે બે માસ રાત્રી વર્ગો ચાલે છે. આચાર્ય કનુભાઈ નિયમિત રીતે રાત્રી વર્ગોમાં બાળકોને ભણાવવાનું કામ કરે છે.
છેલ્લા વીસ વર્ષથી શાળાએ બાળકોની ગુણવત્તા સુધારણા માટે એક વધારાના ટ્યુટર શિક્ષક રોકેલ છે. ગામના હસમુખભાઈ પ્રજાપતિ આ સેવા ખૂબ ઉત્સાહ પૂર્વક આપી રહ્યા છે. આ શિક્ષકનો પગાર દાતાઓના સહયોગથી આપવામાં આવે છે.
તમામ ધોરણના બાળકો કડકડાટ વાંચી શકે છે.
શાળાનું ચાલુ વર્ષનું ગુણોત્સવનું પરિણામ 89.90 ટકા છે. શાળાના 80 ટકા બાળકોની 80 ટકાથી વધારે શૈક્ષણિક સિધ્ધિ છે.બાળકોના અભ્યાસ માટે ગણિત, ભાષા, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના અલગ વર્ગખંડો બનાવેલ છે. તમામ પ્રકારની અધ્યન સામગ્રી વર્ગોમાં ઉપલબ્ધ છે.